ખેડા જિલ્લામાં તા. ૬ એપ્રિલના રોજ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ મશીનની સોંપણી કરવામાં આવશે
નરેશ ગનવાણી નડિયાદ
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ખેડા જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની ૭મી તારીખે યોજાનાર છે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનું ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ રાજકીય પાર્ટીના પ્રતિનિધીઓએ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી. નોંધનીય છે કે તા.૪ એપ્રિલ થી તા.૮ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમ નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે.
ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ ઇવીએમ ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ ઇવીએમ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જેમાં ખેડા જિલ્લામાં તા.૬ એપ્રિલના રોજ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ મશીનની સોંપણી કરવામાં આવશે.જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઇવીએમ નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને ઈવીએમ નોડલ મનીષા બ્રહ્મભટ્ટ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, મદદનીશ ચૂંટણી અધિકારી અને ખેડા પ્રાંત અધિકારી અંચુ વિલ્સન, મદદનીશ ચૂંટણી અધિકારી અને નડિયાદ પ્રાંત અધિકારી કે. એસ. સુવેરા, મદદનીશ ચૂંટણી અધિકારી અને મહુધા પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, મદદનીશ ચૂંટણી અધિકારી અક્ષય પારધી સહિત ચૂંટણીશાખાના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.