સાસરીયાના લોકોએ રૂપિયા લાવવા દબાણ કરી પરિણીતાને શરીરે ગરમ ડામ આપ્યા
નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદ ની યુવતી ને લગ્નના ચાર માસમાં જ પતિ, સાસુ, સસરાએ ત્રાસ ગુજાર્યો અને સાસરીયાના લોકો રૂપિયા લાવવા દબાણ કરતા પીડીતાએ માંગણી ન સંતોષતા ત્રણેયે પીડીતાને ડામ આપ્યો હોવાનું મહેમદાવાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.
મહેમદાવાદ પંથકમાં રહેતી યુવતીના લગ્ન આજથી લગભગ ચાર માસ પહેલા અમદાવાદના યુવાન સાથે થયા હતા. એકાદ મહિના સુધી પતિ તેમજ સાસુ-સસરાએ સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ પતિએ નાની નાની વાતોમાં તેણીને પરેશાન કરતો હતો. પતિ અવારનવાર પોતાની પત્નીને કહેતો કે મારે તને અમેરિકા લઈ જવાની છે અને ત્યાં નોકરી કરાવી તારી કમાઈ ખાવાની છે જેથી પત્ની આ બાબતે પતિને ઠપકો કરતા પતિ આક્રોશમાં આવી પોતાની પત્ની સાથે મારઝૂડ કરતો હતો. અને પતિ તેમજ સાસુ સસરા રસોઈમાં નોનવેજ બનાવવાનું કહી ત્રાસ આપતાં હતા. પીડિતાને પોતાના પિતા પાસેથી રૂપિયા લાવવા દબાણ કરતા હતા. જે રૂપિયાની માંગણી પીડિતા દ્વારા ન સંતોષાતા પતિ, સાસુ, સસરાએ પીડિતાને શરીરે ગરમ સાણસી વળે ડામ આપ્યા હતા. અને છુટાછેડાની માંગણી પણ કરતા. પીડીતા કંટાળી પોતાના પિયરમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેડવા ન આવતા મહેમદાવાદ પોલીસ મથકે પીડીતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
