ભાવનગર થી અયોધ્યા નગરી સુધી દંડવત યાત્રાએ નીકળ્યા, ૭૫ વર્ષના બાપુ
નરેશ ગનવાણી નડિયાદ

ભાવનગરના બગદાણાના રાઘવદાસજી બાપુ ૧૬૦૦ કિ.મી. લાંબી અયોધ્યાની યાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા તેઓ ચાલીને કે સાઇકલ પર કે અન્ય રીતે નહીં પરંતુ દંડવત કરતાં કરી રહ્યા છે. ગુરૂવારે ખેડા જિલ્લામાં તેમનું આગમન થયું ત્યારે લોકોએ પણ તેમના ચરણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ પુન: નિજ મંદિરમાં બિરાજીત થયા તે પાવન પર્વે – રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવસે ભાવનગરના તળાજા તાલુકાના કુંઢડા આશ્રમના સંત રાઘવદાસજી બાપુ બગદાણાથી અયોધ્યા નગરી સુધી દંડવત યાત્રા લઈને નીકળ્યા છે. તેઓ ખેડા જિલ્લામાં આવતાં લોકોએ તેમનું સ્વાગત કરી, તેમના ચરણે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સંત રાઘવદાસજી બાપુ સાથે તેમના સેવકો પણ બગદાણાથી અયોધ્યાની યાત્રામાં જોડાયા છે. ૭૫ વર્ષની ઉંમરના બાપુ રોજ ૪ થી ૫ કિલોમીટરનું અંતર દંડવત કરતાં કાપે છે. બાદમાં વિરામ લઇ પુન: યાત્રા શરૂ કરે છે. બગદાણાથી અયોધ્યા ના ૧૬૦૦ કિલોમીટરના અંતરમાં ૨૫૦ કિલોમીટર જેટલું અંતર બાપુએ કાપ્યું છે. ૩૮ – ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ રામ નામના જાપ સાથે તેઓ નિરંતર પોતાની યાત્રામાં આગળ વધી રહ્યા છે. બાપુના સેવકોએ જણાવ્યું હતું કે, બાપુનો કોઈ સંકલ્પ કે કોઈ બાધા નથી. માત્ર હજારો વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં પુન: બિરાજમાન થયા છે તો ભગવાનના દર્શન કરવા માટે બાપુ નીકળ્યા છે.
