મહારાષ્ટ્ર થી અમદાવાદ લઇ જવાતો ૨.૮૩ લાખનો ડુપ્લીકેટ વિદેશી દારૂ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી પીકઅપ ડાલામાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ મહારાષ્ટ્રથી અમદાવાદ ખાતે સપ્લાય થતો આ દારૂ પોલીસે પકડી લીધો છે. આ બનાવમાં પીકઅપ ડાલા ચાલક અને અન્ય એક ઈસમને ઝડપી લેવાયો છે. જ્યારે બનાવટી દારૂનુ ઉત્પાદન કરનાર ઈસમ વોન્ટેડ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વસો પોલીસ ગઇકાલે રાત્રે બાતમીના આધારે વસોના દંતાલી ગામની સીમમાં પસાર થતાં અમદાવાદ-મુંબઈ હાઈવે પરથી અમદાવાદ તરફ જતી પીકઅપ ડાલા ને રોકી વાહનની કેબીનમા બે ઈસમો બેઠા હતા. પોલીસે નામઠામ પુછતા પોતાના નામ હર્ષલ ઉર્ફે બંટી મુકેશ પરદેશી અને ભૈયા લાલસિંહ ભીલ (બન્ને રહે.મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. પોલીસ વાહનના પાછળના ભાગે બાંધેલ તાડપત્રી ખોલીને તપાસ કરતા
વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો હતો. પોલીસે આ બાબતે બંને ઈસમોની પુછપરછ કરતા હર્ષલે કહ્યું કે, આ દારૂ ડુપ્લીકેટ છે અને તે મહારાષ્ટ્રના ધૂળે જિલ્લાના સીરપુર તાલુકાના બોરડી ગામે રહેતા દિગમ્બર પાવરાએ પોતાના ખેતરમાં બનાવેલ છે. વધુમાં આ બંને લોકોએ પોલીસને જણાવ્યું કે આ દિગમ્બર પાવરા પોતે પોતાના ખેતરમાં ડુબલીકેટ દારૂ બનાવી ખાલી ક્વોટરોમાં પેક કરી કોવટર ઉપર જાતે સીલ લગાવી અને પુઠાના બોક્સમાં ભરી માણસો દ્વારા પેક કરી વેચાણ કરે છે અને આ દારૂ મહારાષ્ટ્રથી અમદાવાદ ખાતે લઈ જવાતો હતો. પોલીસે ગણતરી કરતાં કુલ ૫૯ બોક્સમાં ૨૮૩૨ નંગ બોટલો કિંમત રૂપિયા બે લાખ ૮૩ હજાર ૨૦૦નો મળી આવ્યો હતો. આ સાથે ઉપરોક્ત ગુનામાં વપરાયેલ વાહન તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૭ લાખ ૩૭ હજાર ૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગુનો નોંધી અને ડુપ્લીકેટ દારૂ બનાવનાર ઈસમને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.