ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ચકલાસી દ્વારા અસ્મિતા સંમેલન યોજાયું
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના ચકલાસી ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ચકલાસી દ્વારા ગુરૂવારની રાત્રે અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં ચકલાસી શહેર સહિત આસપાસના ક્ષત્રિય સમાજના આગેવાનોને સહિત ક્ષત્રિય લોકો હાજર થયા હતા. સમસ્ત ગુજરાત ક્ષત્રિય સમાજની એક જ માંગ પુરૂષોત્તમ રૂપાલાને ચૂંટણીમાંથી બરખાસ્ત’ ના નારા લગાવ્યા હતા. જો આમ ન કરે તો ભાજપ વિરુદ્ધ મતદાન સહિતની ચિમકીઓ પણ ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારાઈ છે. આ સંમેલનમાં હાજર રહેલા ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના વિજયસિંહ મહિડાએ જણાવ્યું કે આ આંદોલન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે. અમે સતત બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા. પરંતુ આજ દિન સુધી અમારી માગણી સંતોષાય નથી. જેથી હવે અમારા સમાજના તમામ લોકો આક્રમક મૂડમાં આવી ગયા છે. લડાઈ નહીં યુધ્ધના બ્યુગલ ફૂંકાયા છે. મતદાન તારીખ સુધી સમગ્ર રાજ્યનો ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. વધુમાં તેમણે કહ્યું હતું કે અમારું આગામી ૧૪ એપ્રિલના રોજ રાજકોટ ખાતે મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડશે.