વરસોલાથી ભાવનગર જતા મહેમદાવાદના પદયાત્રીઓના સંઘને ભાવનગર નજીક ટ્રકે ટક્કર મારતા ચરના મોત
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદ તાલુકાના વરસોલાથી ભાવનગર જવા નીકળેલ પદયાત્રીઓના સંઘને ભાવનગર અમદાવાદ હાઇવેરોડ પર આવેલ સનેસ ગામ નજીક માતેલા સાંઢની આવતી ટ્રકે સંઘના સાત જેટલા પદયાત્રીકોને ટક્કર મારતા પિતા-પુત્ર સહિત ત્રણ પદયાત્રીઓના ઘટના સ્થળે મૃત્યુ નીપજયા. જ્યારે ચાર પદયાત્રીકોને શરીરે ગંભીર ઇજાઓ થતાં ભાવનગરની હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં સાવરાર દરમ્યાન વધુ એક પદયાત્રીનું મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ વરસોલા ગામમાં થતા ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામેથી છેલ્લા ૪૦ વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં ભાવનગરના રાજપરા ખડિયારમાતાના મંદિરે જવા તા. ૯મીના રોજ ૪૦ જેટલા પદયાત્રીકો માં ખોડિયારનો રથ લઇ ભાવનગર ચૈત્રી આઠમના દર્શન કરવા નીકળ્યા હતા. આ પદયાત્રીકો ગઇકાલ રાત્રીના ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રકના ચાલકે પોતાની ટ્રક બેફીકરાઇ અને ગફલત ભરી રીતે હંકારી સાત જેટલા પદયાત્રીકોને ટક્કર મારતા ત્રણ પદયાત્રીકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજયાં હતા. જેમાં વિજયભાઇ ધીરૂભાઇ ગઢવી ઉ.વ.૨૦, ધીરૂભાઇ ગઢવી ઉ.વ.૫૦, તથા પ્રદિપભાઇ પ્રેમાભાઇ ચૌહાણ ઉ.વ.૩૦, તમામ રહે. વરસોલાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. જ્યારે બાબુભાઇ ડાભી ઉ.વ.૪૦, ગુલાભાઇ રાઠોડ ઉ.વ.૩૦, બકાભાઇ પટેલ ઉ.વ.૬૦ તમામ રહે. વરસોલા તથા એક અજાણ્યા વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી જેને સારવાર અર્થે ૧૦૮માં ભાવનગર હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન બકાભાઇ પટેલનું મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાની જાણ વરસોલા ગામમાં થતા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે ભાવનગર પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.