ખેડૂતની જાણ બહાર ગઠિયાએ ખાતામાંથી રોકડ રૂપિયા ઉપાડી લીધા.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજના ફતેપુરાના ખેડૂતના મોબાઈલ ફોનનો એક્સેસ મેળવી ખેડૂતની જાણ બહાર ગઠિયાએ બે એફડી બ્રેક કરી અને ખાતામાંથી રોકડ રૂપિયા ઉપાડી લીધા. આથી આ બનાવ મામલે ખેડૂતે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજ તાલુકાના ફતેપુરા ગામે રહેતા યોગેશભાઈ રમણભાઈ પટેલ જે ખેતી કરે છે. યોગેશભાઈને કાશીપુરા ગામની બેંકના ખાતામાં તેમના દૂધના પગારના તેમજ બોનસના રૂપિયા જમા થાય છે. જે જમા થયેલા નાણામાંથી જૂન ૨૦૨૩ના રોજ તેમણે આ જ બેંકમાં બે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી કરી હતી. ગત ૧૨ માર્ચ ૨૦૨૪ના રોજ બપોરે એકાએક તેમના મોબાઈલ ફોન પર ઓટીપી ના ટેક્સ મેસેજ આવ્યા હતા. જે ધ્યાને આવતા તેમણે તુરંત બેંકનો સંપર્ક કર્યો. બેંક દ્વારા કહેવામાં આવ્યું કે તમારી સાથે સાયબર ફ્રોડ થયેલ છે. યોગેશભાઈ તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ રજીસ્ટર કરાવી દીધી હતી. ત્યારબાદ બેન્ક ખાતામાંથી સ્ટેટમેન્ટ ચેક કરતા અલગ અલગ રકમ મુજબ રૂપિયા ઉપડ્યા હતા. જેમાં યોગેશભાઈની બે એફડીના વ્યાજ સહિત રકમ ઉપાડી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. બે એફડી સહિત રોકડ રકમ મળી કુલ રૂપિયા ૩ લાખ ૩૦ હજાર ૯૭૦.૫૩ ઉપાડી લીધા હતા. યોગેશભાઈના મોબાઈલ ફોનનો એક્સેસ મેળવી આ સમગ્ર ઠગાઈ આચરવામાં આવી હોવાનું તેમને જાણવા મળતા આ મામલે તેમણે કપડવંજ રૂરલ પોલીસમાં ગઇકાલે ફરિયાદ નોંધાવી છે.