નડિયાદના મરીડા ધામમાં મેલડી માતાના મંદિર ખાતે ૧૯માં પાટોત્સવની ઉજવણી કરાઈ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ તાલુકાના મરીડા ગામે આવેલ રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરનો ૧૯ પાટોત્સવ ઊજવાયો બે દિવસથી ચાલેલા આ પાટોત્સવની મંગળવારે પૂર્ણાહૂતિ થઇ.
મરીડા ધામમાં આવેલ રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરમાં ૧૫ અને ૧૬ એપ્રિલ બે દિવસીય ૧૯માં પાટોત્સવની ઉજવણી રંગેચંગે કરાઈ છે. જેમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ખાસ મંદિરને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું હતું. ગુરૂ રાજભા માડીના આર્શીવાદથી અને સિધ્ધુ બાપુના પ્રેરણાથી આ ૧૯મા પાટોત્સવની ઉજવણી ખુબજ ધામધુમ પૂર્વક ઉજવાઈ હતી. પાટોત્સવ ૧૫ એપ્રિલે શરૂ થયો હતો. જેમાં સવારે ૮ કલાકે શોભાયાત્રા, ધજા આરોહણ અને રાત્રે રાસ-ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકારોએ ઉપસ્થિત રહી ધૂમ મચાવી અને સૌ માઈ ભક્તોને તરબોળ કર્યા હતા. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, વિજયસિહ છાસટીયા સહિત અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. જ્યારે બીજા દિવસે યજ્ઞનો પ્રારંભ થયો હતો જેની પૂર્ણાહુતિ થઇ હતી.
