વેકેશનમાં વાલીઓને લેસન.

*વેકેશનમાં વાલીઓને લેસન*

|| વનિતા રાઠોડ ||

અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે. થોડા સમયમાં ઉનાળુ વેકેશન પડી જશે. ઘોડાઓ તબેલા માંથી છૂટે એમ વિદ્યાર્થીઓ મોજ મસ્તીમાં લાગી જશે પરંતુ વેકેશનનો અર્થ એ નથી કે તેમને અભ્યાસમાંથી છૂટી મળી ગઈ છે. વેકેશનએ સામાજિક ઘડતર માટેનો મળેલો સમય છે. શાળાઓ ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓ લઈને લેસન અપાય તે શૈક્ષણિક કાર્યનો એક ભાગ છે. પરંતુ અત્યારે મારા આ લેખમાં વેકેશનમાં વાલીઓને લેસન આપવું છે. અને એ લેસન જેટલી સચોટતાથી કરશે તેટલો સંતાનોનો વિકાસ ઉજવળતાથી થશે. આમ પણ વિદ્યાર્થીઓ શાળામાં 5 કલાક રહેતા હોય છે. અને બાકીનાં 19 કલાક પોતે ઘરે જ હોય છે. પણ વાલીઓ જાગૃત રહી સજાગ રહી અને સહયોગ આપે તેવી અપીલ છે. અત્યારના ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે બાળકોને ઘરમાં અથવા છાયામાં રાખવા વાલીઓ કોમ્પ્યુટર, ટીવી, મોબાઇલ ફોન કે એવા ઇલેક્ટ્રોનિક સંસાધનોનાં સહારે મૂકી દે છે. અને જો આ વાલીઓ આવું કરે તો યોગ્ય નથી. આ સમયમાં ઘરનું સંચાલન કેવી રીતે થાય છે? તે સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ. શાકભાજી, ફળફળાદી વગેરે કેવી રીતે ખરીદાય છે? તેમાંથી સૌથી વધુ આરોગ્યપ્રદ શું છે ? તે સમજાવવું જોઈએ. કરિયાણું કઈ દુકાનેથી આવે છે ? ઘરના પરિવારના સભ્યો માટે કેટલા સામાનની જરૂર પડે છે ? સામાન્ય રીતે એક મહિનાનું કરિયાણું કેવું હોવું જોઈએ ? તે સમજાવવું જોઈએ. ઘરમાં સાફ સફાઈ માટેનાં કામમાં સૌથી અગત્યનું કામ છે..કચરા વાળવા અને પોતું કરવાનું છે. આ બંને કામ સચોટ રીતે કેવી રીતે કરવા? તે સમજાવવું જોઈએ. આ સાથે બાળકો મોટા થાય ત્યારે હોસ્ટેલમાં ભણવા જવાનું થાય તો તે પોતાના કપડા જાતે કઈ રીતે ધોઈ શકે ? વાસણ માંજવા જેવા કામો પણ બાળકોને શીખવવા જોઈએ. આવા કામ કેવી રીતે કરવામાં આવે છે તે શીખવાડવામાં આવરી લેવા જોઈએ. બાળકોને જ્યારે શાકભાજી, ફળ, કરિયાણું ખરીદવા જાયે ત્યારે તેની સાથે લઈ જવા જોઈએ. ત્યારે તેમાંથી કઈ વાનગી- કેવી રીતે બને ? તે પણ એમને સમજાવવું જોઈએ. રસોઈમાં પણ તેમની ભાગીદારી આપવી જોઈએ. સલાડ કે કચુંબર બનાવવાનું બાળકોને કહેવું જોઈએ. કુટુંબોમાં કાકા-કાકી, મામા-મામી, દાદા-દાદી, ફૈઈ-ફુવા વગેરે હોય છે. આ બધાનાં સંબંધોનું મહત્વ સમજાવવું જોઈએ. તેની સાથે ભાવાત્મક લગાવ રહે તે માટે એમને એમના ઘર સુધીનો પ્રવાસ કરાવો જોઈએ. આપણો દેશ જ્યારે વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવે છે. ત્યારે આપણા આડોશી પાડોશીઓને પણ આપણા સગા સંબંધી જ છે. તેવી ભાવના તેમના માટે રહેવી જોઈએ. અને તેના ભાગ સ્વરૂપે આડોશ પાડોશમાં સંબંધ કેવી રીતે નિભાવવા? તેનો પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવું જોઈએ. સવારે જાગ્યા અને રાત્રે સૂતા સુધીમાં જેટલા પણ કાર્ય કરવાનાં હોય દિવસમાં એમાં કોઈ પણની મદદ લીધા વિના કઈ રીતે પાર પાડવા ? તેની ટેવ વિકસાવવી જોઈએ. દાખલા તરીકે નાહવું ,પોતાના કપડા જાતે પહેરવા, પોતાની થાળી ધોવી, કપડાં સંકેલીને મૂકવા, બુટ ગોઠવવા, બુટ સાફ કરવા અને પથારી પાથરવી વગેરે…વેકેશન છે તો તેનો સદુપયોગ કરવા બાળકોમાં જ્ઞાન, ધ્યાન, ધર્મ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનું સિંચન થાય તેવાં સ્થળોનો પ્રવાસ પણ કરવો જોઈએ. જીવનમાં ધર્મ શા માટે જરૂરી છે ? તેનો હાર્દ સમજાવવો જોઈએ. વડીલોને આદર અને સરખી ઉંમરનાઓ સાથે મિત્રાચારી કેળવવાનાં ગુણ રેડવા જોઈએ. સાંઘીક રમતોનાં કારણે તેમનામાં એકતાની ભાવના વિકસે છે. માટે બાળકોને ભેગા કરી સાંઘીક રમતો રમાડવી જોઈએ. તેમ ન કરી શકાય તો આરએસએસની નજીકની શાખામાં અવશ્ય મોકલવા જોઈએ. વેકેશનમાં અભ્યાસના પુસ્તકો ભલે ન હોય પરંતુ લાઇબ્રેરીનાં પુસ્તકો તરફ વળે તેવી પ્રેરણા અવશ્ય આપવી જોઈએ. જીવનના પહેલા 25 વર્ષ જ્ઞાન સાધના અને ઉત્તમ આરોગ્ય જાળવવામાં કાઢશો તો બાકીની આખી જિંદગી ઉજ્જવળ ભવિષ્યમાં જ જશે તેની ખાતરી છે. ભણવાનાં વર્ષોમાં મોજ શોખ કરનાર અને બેદરકાર રહેનાર મજૂરોની ખોટ પૂરી પાડવામાં સક્ષમ બને છે. એટલે કે મજૂરી જ તેનાં ભાગે આવે છે. વેકેશનમાં સંતાનોને ઉત્તમ વાતાવરણ પૂરી પાડી તેજસ્વી નાગરિક બનાવવાનું લક્ષ્ય આપવા આ મારી નમ્ર અપીલ છે. શાળાઓમાં બે વાર વેકેશન આવે છે. બાળકો 10 મહિના જ શાળાઓમાં શિક્ષણ પામે છે. તો વર્ષમાં બે માસ વેકેશનમાં વાલીઓએ તેમને સમય ફાળવવો જોઈએ. તેવી આશા રાખું છું. થોડાંમાં ઘણું.. *|| વનિતા રાઠોડ ||* રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય પીએમશ્રી વિનોબા ભાવે શાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: