ડાકોરમાં બ્રિજ નીચે સર્વિસ રોડ પર પસાર થઇ રહેલી એક કાર ખાડામાં ઉતરી ગઇ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રવિવારે બ્રિજની નીચે પસાર થઇ રહેલી એક કાર ખાડામાં ઉતરી જતાં અફરાતફરી સર્જાઇ હતી.
યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે આ બ્રિજ ડાકોરવાસીઓ અને અન્ય વાહનચાલકો માટે મુસીબત બની રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ બનાવ્યા બાદ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. સર્વિસ રોડના અભાવે છાશવારે અકસ્માતના બનાવો બનતાં રહે છે. ત્યારે કોઇ જીવલેણ અકસ્માત થાય તો જવાબદારી કોની ? રવિવારે બપોરે માર્ગ પરથી પસાર થઇ રહેલી અર્ટિગા ગાડીના ચાલકને ખુલ્લો ખાડો ન દેખાતાં ગાડી અડધી ખાડામાં ઉતરી ગઈ હતી. જોકે સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
ઘટના બાદ વાહનચાલક દ્વારા તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ડાકોરમાં રવિવાર ઉપરાંત વાર-તહેવારે આવતાં લોકોને પણ છેલ્લા લાંબા સમયથી સર્વિસ રોડના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પરથી પસાર થતાં અજાણ્યા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. આ બ્રિજ વિવાદોનો બ્રિજ બની રહ્યો છે. બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરાવી ચાલુ કરાવી દેવામાં આવ્યો તેમછતાં હજીસુધી સર્વિસ રોડના ઠેકાણા નથી.