નડિયાદ પાસે પોલીસે રૂપિયા ૧૧.૪ લાખનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના મહાદેવપુરા તાપીકૂઈ તલાવડી પાસે ખુલ્લી જગ્યામાં દારૂ કટીંગ સમયે પોલીસે દરોડો પાડી. રૂપિયા ૧૧.૪ લાખનો વિદેશી દારૂ સાથે કન્ટેનર ટ્રક અને અન્ય બે વાહનો મળી એક ઈસમને પકડી લેવાયો છે.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મહાદેવપુરા તાપીકૂઈ તલાવડી પાસે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. જગ્યાએ પોલીસ પહોંચે તે પહેલા તમામ બુટલેગરો ફરાર થઈ ગયા હતા. જ્યારે એકને પોલીસે ઝડપી પાડયો હતો. પકડાયેલા વ્યક્તિની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સલીમ મહેબુબ મુરખા ખાન (રહે.હરીયાણા) હોવાનું જણાવ્યું હતું. મળી આવેલ કન્ટેનર ટ્રક અને બે માલવાહક ટેમ્પામાં જેની તપાસ કરતાં ત્રણેય વાહનોમાં વિદેશી દારૂના કુલ બોક્ષ નંગ ૧૮૪ જેમાં બોટલ નંગ ૨૨૦૮ કુલ કિંમત રૂપિયા ૧૧ લાખ ૪ હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂના જથ્થા સાથે ત્રણેય વાહનોની કિંમત રૂપિયા ૨૮ લાખ તેમજ એક મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૩૯ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ત્રણેય વાહનો માંથી એક માલવાહક ટેમ્પાનો નંબર ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પકડાયેલા સલીમની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો હરીયાણાથી ઈરફાન અને તારીફ નામના શખ્સે મોકલી આપ્યો છે અને ઈરફાને પોતાની તબિયત સારી ન હોવાનું કહી સલીમને ડ્રાઈવીગ કરવા બેસાડ્યો હતો .આ દારૂનો જથ્થો તારીફ ટ્રક લઈને આવ્યો હતો. અને એક બાઇક પર ત્રણ ઈસમો પાયલોટીગ કરી અહીયા લાવ્યા હતા. અને વિદેશી દારૂનુ કટીંગ ચાલતુ હતું ત્યારે પોલીસે દરોડો પાડતા હાજર તમામ લોકો ભાગી ગયા હોવાનું પકડાયેલા સલીમે પોલીસને જણાવ્યું છે. જેથી પોલીસે કુલ ૬ ઈસમો સલીમ ખાન, કન્ટેનર હનો ટ્રક ચાલક તારીફ, દારૂનો જથ્થો મોકલનાર ઈરફાન, બે ટેમ્પાના ચાલક અને એક બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.