એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના લગ્નના ચાર દિવસ પહેલા યુવતીના ઘરે જઈને ધમાલ મચાવી
નરેશ ગનવાણી
ગળતેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને તેના સમાજના એક યુવાન સાથે ૯ વર્ષ પહેલાં મિત્રતા હતી. મિત્રતાના સંબંધને યુવાન પ્રેમ સમજી બેઠો હતો અને યુવતીને એક તરફી પ્રેમમાં ચાહવા લાગ્યો હતો. જોકે, યુવતીને તેનો સ્વભાવ સારો ન લાગતા તેણીએ ચાર માસ અગાઉ અન્ય યુવાન સાથે સગાઈ પણ થઈ ગઈ હતી અને પાચ મે ૨૦૨૪ના રોજ લગ્ન પણ ગોઠવાયા છે. આ લગ્નના ૪ દિવસ અગાઉ ૧ મે ૨૦૨૪ના રોજ રાત્રે યુવતીના ઘરે આવી અને કહેવા લાગેલ કે તારે મારી સાથે લગ્ન કરવાના છે. તે બીજે કેમ સગાઈ કરી’ જેથી યુવતીએ કહેલ કે મેં મારી મરજીથી લગ્ન કરું છું તું અહીંયાથી જતો રહે અને હું તને પ્રેમ કરતી નથી જેથી તું મને તથા મારા ઘરના માણસોને હેરાન કરીશ નહીં’ તેમ જણાવ્યું હતું. આમ કહેતા યુવાન એકદમ ઉશ્કેરાઈ ગયો અને ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો તેમજ યુવતીને માર મારવા ફરી વળ્યો હતો. ત્યારે યુવતીના ઘરના સભ્યોએ યુવાનના મારથી છોડાવી હતી.
ત્યારબાદ યુવાન કહેવા લાગ્યો હતો કે હું તને બદનામ અને બરબાદ કરી નાખીશ તેમજ તારા માતા-પિતા તથા તારા ભાવિ પતિને હું જાનથી મારી નાખીશ તેમ કહી યુવાને પોતાના હાથમાં ધારીયુ મારવા માટે ઉગામ્યું હતું. અને પાગલ બનેલા યુવાને કહ્યું તુ મારી નહીં તો બીજા કોઈની થવા દઈશ નહીં’. મામલો વધુ ગરમ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને યુવાને યુવતી ને કહ્યું કે, હજી તને વિચારવાનો ટાઈમ આપું છું તું મારી સાથે લગ્ન નહીં કરે તો તને છોડીશ નહીં તેમ કહી તે ચાલ્યો ગયો હતો. યુવતીના ૪ દિવસ પછી ૫ મે એ લગ્ન હોય સમાજના બદનામી થવાની ભીતી હોય તેણીએ જે તે સમયે ફરિયાદ નોંધાવી નહોતી. પરંતુ એક તરફી પ્રેમમાં પાગલ યુવાન કહ્યું હોય તે પાળે તેવા વિચાર ધરાવતો હોય આ સમગ્ર મામલે યુવતીએ સેવાલીયા પોલીસ મથકે એક તરફી પ્રેમમાં પાગલ યુવાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
