જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૭મા પ્રાકટય મહોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા
નરેશ ગનવાણી
અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યના ૫૪૭મા પ્રાકટય મહોત્સવ અંતર્ગત નડીઆદના વડવાકુવા પાસે આવેલ સાત સ્વરૂપની હવેલી ખાતેથી મંદિરના મુખ્યાજી કૃષ્ણા ગોપાલજીના સાંનિધ્યમાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજીને બગી ગાડીમાં બિરાજમાન કરાવીને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાના સાત સ્વરૂપની હવેલીના ટ્રસ્ટી વી. સી. શાહ સહિત આ શોભાયાત્રાના મનોરથી સંજયભાઇ શાહ અને તેમના પરિવારજનો સહિત નગર નડીઆદની વૈષ્ણવ સૃષ્ટિએ મોટી સંખ્યામાં જોડાઇને વલ્લભાચાર્યનો જયઘોષ કર્યો હતો. આ શોભાયાત્રા દરમિયાન માર્ગમાં ટ્રસ્ટ, વૈષ્ણવો સહિત મનોરથી સંજયભાઇ શાહના નિવાસસ્થાને શ્રીમદ્દ વલ્લભાચાર્યની પધરામણી મુખ્યાજી કૃષ્ણાા ગોપાલ દ્વારા કરવામાં આવી હતી. જયાં શ્રીમદ્દ વલ્લભાચાર્યને ભોગ-નિરાજન(આરતી) સહિત સર્વોત્તમ પાઠ કરીને શ્રીમદ્દ વલ્લભાચાર્યના જયઘોષ સાથે વાતાવરણને ભકિતસભર બનાવાયું હતું. આ શોભાયાત્રા સાત સ્વરૂપની હવેલી વડવાકુવાથી પ્રસ્થાન થઇ વલલભાચાર્ય ચરણ માર્ગ, સાંથ બજાર, કંસારા બજાર થઇને પરત હવેલી ખાતે આવી પહોંચી હતી.