ગળતેશ્વર તાલુકામાં પાણીની અછતના કારણે ગ્રામજનોને ભારે હાલાકી

નરેશ ગનવાણી નડિયાદ

ગળતેશ્વરમા તાલુકાના ધોરાની મુવાડી ગામે  છેલ્લા ઘણાં દિવસોથી પાણી મળી રહ્યું ન હોવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બે કિલોમીટર દૂર પાણી ધરવા જવું પડી રહ્યું છે.

ગળતેશ્વર તાલુકાના જરગાલ ગ્રામ પંચાયતના પરા વિસ્તાર ધોરાની મુવાડી ગામે પાણીની સમસ્યા વિકટ બની છે. પાછલાં ઘણાં દિવસોથી પાણી મળી રહ્યું ન હોવાને કારણે ગ્રામજનોને બે કિલોમીટર દૂર પાણી ધરવા જવું પડી રહ્યું છે. વિકાસની વાતો વચ્ચે હજીપણ લોકોને પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતીને પગલે તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ગળતેશ્વર તાલુકાનું ધોરાની મુવાડી ગામ 2 હજારની વસ્તી ધરાવે છે. ત્યારે ગામમાં પશુઓ અને ગ્રામજનોને પીવા માટે પાણીની સમસ્યાઉભી થઇ છે. કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે ગામની મહિલાઓને એક નળના સહારે આખો દિવસ પાણી ભરવામાં નીકળી જાય છે ત્યારે માંડ થોડું પાણી ભાગે આવે છે. પાછલા ૨૦ દિવસથી વધારે સમયથી ગામમાં પાણી આવી રહ્યું નથી. ગ્રામજનોની રજૂઆતો છતાં ગામમાં કોઈ જોવા પણ આવતું નથી. નલ સે જલ હર ઘર નલ જેવી યોજનાનું આ ગામમાં ક્યાંય પણ નામો નિશાન જોવા મળી રહ્યુ નથી. આ ગામ માટે પાણીની વ્યવસ્થા કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગામ લોકો પોતાના પશુઓ સાથે મામલતદાર કચેરી સેવાલિયા ખાતે જઇ ધરણાં કરવાની ચિમકી ઉચ્ચારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!