પરિવાર બેસણામાં ગયા દરમિયાન તસ્કરોએ ૨.૮૯ લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા શહેરમાં પરિવાર ગામડે બેસણામાં ગયા દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ બંધ મકાનમાં મુકેલા લાકડા અને લોખંડની તીજોરીમાં રૂપિયા ૨.૮૯ લાખની કિંમતના સોનાના દાગીનાની તસ્કરોએ ચોરી કરી છે. ઘટનાની જાણ પાડોશી મારફતે પરિવારને થઈ હતી જાણ થતાં તેઓ તુરંત દોડી આવી આ સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા શહેરમાં વાટા ફળીયું વિસ્તારમાં આધ્યાશક્તિ મંદિર પાસે જયદીપસિંહ સજ્જનસિંહ ચૌહાણ રહે છે. તેઓ પોતે શહેરમાં ગાંધીચોક વિસ્તારમાં પ્રિન્ટિંગ પ્રેસની દુકાન ચલાવે છે. ૧૬મી મે ના રોજ સવારના જયદીપસિંહના કૌટુંબિક કાકીનું અવસાન થતા તેમના બેસણામાં પરિવારજનો સાથે તેમના મૂળ વતન (મહિસાગર જિલ્લામાં) ગયા હતા.
દરમિયાન રાત્રિના અજાણ્યા તસ્કરોઓએ તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં મુકેલ લોખંડની અને લાકડાની તિજોરીમાંથી સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે જયદીપસિંહને પડોશી મારફતે જાણ થતાં તેઓ તેમના પરિવાર સાથે ગામડેથી ખેડા આવી ગયા હતા. ઘરમાં તપાસ કરતા ઘરનો સરસામાન વેરવિખેર હતો અને તીજોરીમાં મુકેલા સોનાના દાગીના કુલ કિંમત રૂપિયા ૨ લાખ ૮૯ હજારના મત્તાના મુદ્દામાલની ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ બનાવ મામલે જયદીપસિંહ સજજનસિંહ ચૌહાણે ખેડા ટાઉન પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.