નડિયાદ શહેરના તમામ મોલ, મલ્ટીપ્લેક્સમાં તંત્ર દ્વારા વિઝીટ કરવામાં
નરેશ ગનવાણી નડિયાદ
રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગના પગલે નડિયાદમાં શહેરમાં આવેલા તમામ મોલ, મલ્ટીપ્લેક્સમાં તંત્ર દ્વારા ઓચિંતી વિઝીટ કરવામાં આવતા તમામ પાસાંઓની ચકાસણી કરી સૂચનાઓ આપવામાં આવી છે.
નડિયાદ શહેરમાં સરકારમાંથી આદેશ થતાંની સાથે જ નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમ તપાસાર્થે દોડતી થઇ હતી.
તંત્ર દ્વારા ગેમઝોન, મલ્ટીપ્લેક્સ તેમજ મોલમાં ચેકીંગ હાથ ધરી તમામ પાસાઓ ચકાસી રહી છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં કોલેજ રોડ પર ચાર જેટલા મલ્ટિપ્લેક્સોમાં ગેમ ઝોનમાં અને મોટા મોલમાં સીઓ સાથે અધિકારીઓ તપાસ હાથ ધરી હતી. ઓચીતી તપાસમાં તમામ પાસે ફાયર સેફ્ટી તેમજ એનઓસી લીધેલા હોવાનું બહાર આવ્યું છે. તેમજ કેટલીક સામાન્ય ત્રૂટીઓ બાબતે ઉપરોક્ત અધિકારીઓએ જે તે મોલ, મલ્ટિપ્લેક્સના સંચાલકોને સૂચનાઓ પણ આપી છે.
આ બાબતે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રુદ્રેશભાઈ હુદડે જણાવ્યું કે, નડિયાદ શહેરમાં આવેલા મોલ, મલ્ટીપ્લેક્સ ગેમઝોનમા આજે એક ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ છે. જેમાં ફાયર ઓફિસર, એન્જિનિયર, શહેર મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરઈ હતી. શહેરના એક મોટા મોલ અને ચાર મલ્ટિપ્લેક્સોમાં આ વિઝીટ કરાઈ છે. જેમાં તમામ પાસે એનઓસી, ઈલેટ્રિકલ સર્ટીફીકેટ છે. પરંતુ ફાયર ઈમરજન્સી એન્ટ્રસ સહિત અમુક એક્ઝીટ ખુલ્લા રાખવા જેવી માઈનોર બાબતે સૂચનાઓ આપવામાં આવી છે.