૩૫ વર્ષીય સર્ગભા હદીકાબેન ૧૩ દિવસ સુધી કોરોના સામે જંગ લડીને આખરે કોરોનામુક્ત થયા
હાઇ બી.પી., ડાયાબિટીશ અને લોહી ગંઠાવવાને લગતી અન્ય વ્યાધિઓને પણ હરાવી સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો
સગર્ભાવસ્થા ઉપરાંત અન્ય મહાવ્યાધિઓ છતાં દાહોદ મેડીકલ ટીમે આ પડકારને સફળતાપૂર્વક નિભાવ્યો
દાહોદ,તા.૧૯
દાહોદના ૩૫ વર્ષીય સર્ગભા હદીકાબેન મન્સુરી ૧૩ દિવસ સુધી કોરોના સામે જંગ લડીને આખરે કોરોનામુક્ત થયા છે અને એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. આ ૧૩ દિવસો સગર્ભાવસ્થાના પણ આખરી દિવસો હોય ઝાયડસ સીવીલ હોસ્પીટલની મેડીકલ ટીમ માટે તેમને કોરોનામુક્ત કરવા સાથે સ્વસ્થ બાળકના જન્મનો બેવડો પડકાર હતો. ઉપરાંત હદીકાબેન ને હાઇ બી.પી., ડાયાબિટીશ અને લોહી ગંઠાવવાને લગતી અન્ય વ્યાધિઓ પણ હોય તે પણ એક મોટો પડકાર હતો. જેને દાહોદની કોરોના મેડીકલ ટીમે સુપેરે પાર પાડયો છે અને અત્યારે માતા અને બાળકી બંને સ્વસ્થ છે.
હદીકાબેન ભાવનગરથી દાહોદ આવ્યા હતા. તેઓ સગર્ભા હોય પોતાના નિયમિત મેડીકલ ચેકઅપ માટે સરકારી હોસ્પીટલમાં ગયા હતા. ત્યાંના તબીબોએ તેઓ બહારથી આવ્યા હોય સાવધાની માટે કોરોનાનો ટેસ્ટ કરવા જણાવ્યું હતું. જેનો તા. ૩ જુનના રોજ રીપોર્ટ આવતા તેઓ કોરોના પોઝિટિવ જણાયા હતા. આમ તબીબોની સતર્કતાને કારણે તેઓમાં કોઇ લક્ષણ ન હતા ત્યારથી જ કોરોનાનું નિદાન થઇ ગયું હતું. દાહોદની ઝાયડસ સીવીલ હોસ્પીટલમાં તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.
જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીને આ બાબતે જાણ થતા તેઓએ તુરત જ તબીબો અને સ્ટાફને હદીકાબેન ની વિશેષ કાળજી રાખવા કહ્યું અને કોરોનાની સારવાર ઉપરાંત ગાયનેકોલોજીસ્ટ દ્વારા પણ રોજે રોજ ચેકઅપ કરી રિપોર્ટ આપવા જણાવ્યું.
ઝાયડસ સીવીલ હોસ્પીટલના ડો. મોહિત દેસાઇ જણાવે છે કે, હદીકાબેન નો કેસ અમારા માટે ખરી કસોટી કરનારો હતો. તેમને હાઇ બી.પી. સાથે ડાયાબીટીશ પણ હતો. અન્ય મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યા તેમાં ડીડાયમરનું લેવલ જે ૫૦૦ હોવું જોઇએ તે ૧૦ હજાર હતું. એટલે કે તેમની લોહી ગંઠાવવાની પ્રક્રિયામાં પણ સમસ્યા ઊભી થઇ હતી. આ બધી સમસ્યાઓને કારણે કસુવાવડની શકયતાઓ હતી અને બાળકને પણ તકલીફ થાય એમ હતું.
તેઓ જણાવે છે કે, અમે હદીકાબેન ના હાઇ બીપી, ડાયાબીટીશ અને લોહી ગંઠાવવા માટેની સારવાર શરૂ કરી. સાથે કોવીડની સારવાર પણ ચાલુ જ હતી. ગાયનેકોલોજીસ્ટ ડો. દિનેશ પણ નિયમિત તેમનું ચેક અપ કરતા. મેડીકલ સ્ટાફ પણ સતત ખડે પગે રહ્યો. સગર્ભાવસ્થામાં ડાયાબીટીશ પણ આવતો હોય સવારના નાસ્તા, જમવા થી લઇને રાતના દૂધ આપવા સુધી ખૂબ જ કાળજી લેવામાં આવતી. અમે પહેલા દિવસથી જ તેમને ખૂબ જ માનસિક સધિયારો આપતા. રોજે રોજ કલેક્ટરશ્રી હદીકાબેન ની તબીયત વિશે પૃચ્છા કરી માહિતી મેળવતા. આખરે તેઓ કોરોનામુક્ત થતા, તેમને નોન કોવીડ સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. જયા તેમણે સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો.
હદીકાબેન આ વિશે વાત કરતા જણાવે છે કે, અહીંના સરકારી હોસ્પીટલના તબીબો અને સ્ટાફ દ્વારા ખૂબ સરસ સારવાર આપવામાં આવી છે. નિયમિત મારૂ મેડીકલ ચેક અપ કરવામાં આવતું હતું. અત્યારે હું કોરોનામુક્ત છું અને એક સ્વસ્થ બાળકીને જન્મ આપી શકી છું તે અહીંના તબીબોની મહેનતનું પરીણામ છે.
તેમના પિતા આ વિશે વાત કરતા જણાવે છે કે, અહીંના મેડીકલ સ્ટાફનો ખૂબ સુંદર સહયોગ મળ્યો. એક પરીવારના સભ્યની જેમ તેઓએ હદીકાની કાળજી રાખી છે. અહીંનો સ્ટાફ સતત ખડે પગે રહે છે.
દાહોદમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં રિકવરી રેટ ૧૦૦ ટકા છે. પરંતુ હદીકાબેન ની સગર્ભાવસ્થા અને અન્ય મહાવ્યાધિઓ છતાં દાહોદ મેડીકલ ટીમે આ પડકારને સફળતાપૂર્વક નિભાવ્યો છે. જે માટે હોસ્પીટલના તબીબો અને સ્ટાફ ખરેખર અભિનંદનને પાત્ર છે.