નડિયાદ પાસે વાનરના હુમલાથી નરસંડા ગામમા ભયનો માહોલ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ તાલુકાના નરસંડામાં રબારી ભાગોળથી હાઈસ્કૂલ જવાના માર્ગ પર આવેલ વિવિધ સોસાયટીઓમાં ઘણા સમયથી વાંનર હુમલો કરી ઈજા પહોંચાડતા હોવાના બનાવો બની રહ્યા છે. ગઈકાલે એક મહિલાને વાનરે બચકું ભરતા તેમને ૧૨ ટાંકા આવ્યા છે વન વિભાગ આ બાબતે વાનરને પકડી પાંજરે પૂરે તેવી માંગ ઉઠી છે.
નડિયાદ તાલુકાના નરસંડા આવેલી સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી વાનરનો ત્રાસ વધ્યો છે. એક વાનર છેલ્લા ઘણા દિવસથી ગ્રામજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. મહિલા અગાસી પર કપડાં સુકવવા જાય અથવા તો કોઈ કામ માટે જાય ત્યારે પણ આ વાનર તેના ઉપર હુમલો કરી ઈજા પહોંચાડે છે. નરસંડા ગામના અમિતભાઈએ જણાવ્યું હતું કે, આ વાનર છેલ્લા ઘણા સમયથી ગ્રામજનને બચકા ભરી ઇજા પહોંચાડે છે. ગઈકાલે પણ આ વાનર એક મહિલા પર હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી. અગાઉ પણ આ વાનરનો હુમલાનો ભોગ આ વિસ્તારના ઘણા લોકો બન્યા છે. જો નાના બાળકો પર આ વાનર હુમલો કરે તો મોટી જાનહાની થવાની શક્યતા છે. હાલમાં આ વિસ્તારના લોકો આ વાનરના આતંકી મુશ્કેલીમાં મુકાયા છે અને સતત ભય નીચે જીવે છે ત્યારે વન વિભાગ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે.