નડિયાદમાં પાણીની ટાંકીનો વાલ્વ બગડતાં પાણી માટે લોકોને ભારે હાલાકી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ શહેરના મોગલકોટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીનો વાલ્વ બગડતાં શુક્રવાર અને શનિવાર બે દિવસ પાણી ન મળતાં પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.
નડિયાદ શહેરમાં એક પછી એક વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યાની સાથે સાથે ઓછા પ્રેશરથી આવતાં પાણીની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે શુક્રવારે શહેરના મોગલકોટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીનો વાલ્વ બગડતાં શુક્રવાર બાદ શનિવારે પણ શહેરના અનેક ગામતળ વિસ્તારમાં પાણી ન મળતાં આ વિસ્તારમાં રહેતી 25 હજારથી વધુની વસ્તીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણી ન આવવાને કારણે સમડી ચકલાં, ભાવસાર વાડ, સાંથ બજાર, ડુમરાલ બજાર, અમદાવાદી બજાર, ભોજવા કૂવા વિસ્તાર, કંસારા બજાર વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, હાલમાં પાલિકા દ્વારા વાલ્વના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને કારણે હાલમાં ભરઉનાળે લોકોને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. વાલ્વની મરામત પૂર્ણ થયા બાદ રવિવારે સાંજ સુધીમાં પાણી પુરવઠો નિયમિત થાય તેવી શકયતા છે. જોકે, એકપછીએક વિસ્તારમાં ભરઉનાળે પાણીની મોકાણને લઇને રહીશો પરેશાન થઇ ગયા છે. પાલિકા દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ તેમછતાં લોકોને પીવાના પાણીને લઇને તકલીફ વેઠવી પડી રહી છે.