પાણીનો હોજ ફાટતાં ત્રણ બાળકીઓ કાટમાળ નીચે દટાઈ જતા મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

ખેડાના વડાલા ગામના ખેતરમાં બોરના પાણીનો હોજ ફાટતાં નજીક રમી રહેલ ત્રણ બાળકીઓ હોજની દીવાલના કાટમાળ તળે દટાતા મોત નિપજ્યું હતું. આ મામલે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા તાલુકાના વડાલા ગામે દરબાર ફળિયામાં સુર્યજીતસિહ ધનવંતસિહ પરમાર રહે છે. તેમના પિતાનુ ગામની સીમમાં આવેલ ખેતરમાં સોમવારે સુર્યજીતસિહ પરિવાર સાથે અહીંયા ખેતરમાં આવ્યા હતા. સુર્યજીતસિહની પુત્રી પરમેશ્વરીબા ભત્રીજી મહેશ્વરીબા અને આરાધ્યાબા આ તમામ ખેતરમાં આવેલ બોરના હોજ પાસે રમતા હતા. તે દરમિયાન અચાનક પાણી ભરેલા હોજની દીવાલ તૂટી હતી.જેથી અહીયા રમી રહેલી ઉપરોક્ત ત્રણેય બાળકીઓ પાણી સાથે દીવાલના કાટમાળ નીચે દબાઈ હતી. જેના કારણે શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેય બાળકીઓનુ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે સુર્યજીતસિહ ધનવંતસિહ પરમારે ખેડા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
