નડિયાદના પશ્ચિમ વિસ્તારમા ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ખુદ પાલિકા ઉપપ્રમુખના વોર્ડમાં જ લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશનના ગેટ સામે ગટર ઉભરાઈ રહ્યા છે. કેટલાય વાહનચાલકો લપસ્યા છે. આ ઉપરાંત લાંબા વર્ષોથી ગટર ઉભરાઈ છે. લોકોને ન છુટકે આવા ગંદા પાણીમાંથી આવનજાવન કરવુ પડે છે. પાલિકા તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9મા આજે મંગળવારે ‘મ્યુનિસપાલટી હાય હાય’ ના નારા લાગ્યા છે. રેલવે સ્ટેશનના પાછળ સ્કૂલ તરફ જવાના રોડ પર લાંબા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાઈ છે. ગટરની મુખ્ય લાઈન ચોકઅપ થઈ જતાં છાશવારે અહીંયા ગટરનું પાણી રોડ પર ઉભરાય છે. ગટરનું પાણી છેક શ્રેયસ ગરનાળા સુધી પહોંચ્યો હતો. જેના કારણે શ્રેયસ ગરનાળા અને અહીંયાથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ન છુટકે આવા ગંદા પાણીથી પસાર થવું પડ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું ત્રણથી વધુ વાહનચાલકો પાણીમાં સ્લીપ ખાઈ ગયા છે. સ્થાનિકોએ રોષ પૂર્વક કહ્યું કે, વારંવાર પાલિકામા રજૂઆતો કરીએ છીએ પણ છાશવારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે. આજે રહીશો રોડ પર ઉતરી ‘મ્યુનિસપાલટી હાય હાય’ ના નારા લાગાવ્યા હતા. નજીકમાં જ હોસ્પિટલ, શાળા અને જૈન દેરાસર આવેલા છે. ત્યારે અહીંયા લોકોની ભારે અવરજવર રહે છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે સ્ટેશનનો એન્ટ્રસ છે તેની સામે જ આ ગટરના ગંદા પાણી ઉભરાય છે. તેથી અહીયા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.


