વસોનાં યુવકે પરદેશ જવાની ઈચ્છાએ રૂપિયા ગુમાવ્યા
નરેશ ગનવાણી નડિયાદ
આણંદના લાભવેલના શખ્સે લંડનના વિઝા આપવાની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરી લીધા છે. જેમાંથી અડધા રૂપિયા પરત આપ્યા તો અડધા પરત ન આપતા યુવકે ફરિયાદ નોંધાવી છે.
વસો તાલુકાના અલિન્દ્રા ગામે સરદાર ચોકમાં રહેતા ભાવિનભાઈ જગદીશભાઈ પટેલ હાલમાં તેઓ ધોળકા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગામમાં રહેતો મિત્રને લંડનના વિઝા મળ્યા હતા. વિઝા કેવી રીતે મળ્યા તે બાબતે પુછતા તેમણે આણંદ જિલ્લાના લાભવેલના ભુમીપુરા ખાતે રહેતા ભુમીત અશોકભાઈ પટેલના સંપર્કમાં આવ્યા હતા. આ ભુમિત આણંદમાં ગ્રીડ રોડ પર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ છે.
જેથી માર્ચ/એપ્રિલ ૨૦૨૩ના વર્ષમાં ભાવિનભાઈ આ ભૂમીતને વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં મળ્યા હતા. લંડનના વિઝા આપવાની પુરેપુરી બાંહેધરી આપી બંને વચ્ચે ૨૪.૫૦ લાખમાં સોદો નક્કી થયો હતો. ભાવિનભાઈએ કામ પહેલા ટુકડે ટુકડે ૧૭ લાખ આપવાનું કહ્યું હતું અને વિઝા મળ્યા બાદ બાકીની રૂપિયા આપવાનું કહ્યું હતું. ભાવિનભાઈએ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ ભુમિતને આપ્યા હતા. અને ટુકડે ટુકડે કુલ ૧૭ લાખ રૂપિયા આપ્યા હતા અને પછી કામ ન થતા અને બહાના બતાવતા ભાવિનભાઈનો ભુમિત પરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો હતો. ભાવિને ભુમીતને કહ્યું કે તમે લીધેલા નાણા પરત આપો અથવા વિઝા આપો ત્યારબાદ ભુમીતે બાંહેધરી કરાર કરી લીધેલા નાણાં પરત આપવાનો વાયદો કર્યો હતો. જેમા ભુમીતે રૂપિયા ૮ લાખ ભાવિનને પરત આપ્યા હતા. પરંતુ બાકીના રૂપિયા ૯ લાખ આજ દિન સુધી પરત ન આપતાં આ બાબતે ભાવિનભાઈ પટેલે ભુમીત પટેલ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
