એસટી બસમાંથી શખ્સ પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલઅને ૮ કારતૂસ મળી આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ
સેવાલીયા જુની ચેક પોસ્ટ પાસેથી એસટી બસમાં મુસાફરી કરતા સકસ પાસેથી બે દેશી પિસ્તોલ અને ૮ નંગ કારતૂસ મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સેવાલીયા પોલીસ સ્ટેશનના માણસો ગતરોજ ડાકોર-ગોધરા સ્ટેટ હાઇવે પર મહિસાગર નદીના બ્રિજ પર આવેલ જુની ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગમા દરમિયાન બડવાણીથી અમદાવાદ તરફ જતી એસટી બસને ઉભી રાખી તપાસ કરતા કંડકટરની પાછળની સીટ પર બેઠેલો શખ્સને શંકાના આધારે નીચે ઉતારી નામઠામ પુછતા તેણે પોતાનું નામ મનસુખ નાગજી શેક (તળપદા કોળી) (રહે.બાબરકોટ, બોટાદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે તેની સાથે રાખેલ બેગમાં તપાસ કરતા બે દેશી પિસ્તોલ અને ૮ નંગ જીવતા કારતૂસ કિંમત રૂપિયા 54 હજારના મળી આવ્યા હતા. પરવાના બાબતે પુછપરછ કરતા વ્યક્તિ પરવાનો રજૂ કરી શક્યો નહોતો. પોલીસે રોકડ રૂપિયા અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૫૯ હજાર ૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.