મહેમદાવાદમાં પાણીનો પુરવઠો બંધ થઈ જતાં ગૃહિણીઓમાં ભારે રોષ
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદ શહેરમાં આવેલી ૨૨થી વધુ સોસાયટીઓમાં છેલ્લા ચાર દિવસથી પાણીનો પુરવઠો બંધ થઈ જતાં ગૃહિણીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉનાળાના દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા જાણ કર્યા સિવાય પાણી વિતરણ બંધ કરી દેતાં નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
મહેમદાવાદ નગરપાલિકામાં દોઢ વર્ષથી વહીવટદારનું શાસન હોઇ શહેરનું કોઈ રણીઘણી ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં વહીવટદાર તરીકે સેવા આપતા મામલતદાર નગરપાલિકામાં જવલ્લે જ આવતાં હોય છે. જ્યારે ચીફ ઓફિસરની આવન-જાવન (બદલી) સતત રહેતી હોવાથી મહેમદાવાદ શહેર સંપૂર્ણ નેતાગીરી વિહોણું બની ગયું છે. મહેમદાવાદ શહેરમાં આવેલી સોસાયટીઓમાં આશુતોષ , અવિનાશ પાર્ક,જ્યોતિ પાર્ક, કૃષ્ણપાર્ક, શ્રોફનગર ,જેપી નગર, જય અંબે સોસાયટી, આસ્થા હોમ્સ, ઋતુરાજ સોસાયટી, મૃદુલ પાર્ક સહિતની સોસાયટી આવેલી છે. આ સોસાયટીઓમાં છેલ્લા ચાર ચાર દિવસથી પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. પાણીના અભાવે પ્રજાજનોની સાથે સાથે રખડતા પશુઓ પણ પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ બાબતે નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં આવતા નથી.