આડા સંબંધ માટે શખ્સે ધમકાવતાં એસીડ પી લેતા મહિલાનુ મોત
નરેશ ગનવાણી નડિયાદ
ઠાસરાના પાંડવણીયા ગામમાં મહિલાને યુવાન સાથે આડા સંબંધ હોવાની જાણ પતિને થતા પતિએ મહિલાને સમજાવી આડા સંબંધ પર પૂર્ણ વિરામ મૂકાવ્યો પણ આડા સંબંધ રાખવા યુવાન મહિલાને મજબૂર કરતો અને ધમકાવીને કહ્યું કાં તો મારી સાથે સંબંધ રાખ કાં તો મરી જા જેથી યુવાનના ત્રાસથી મહિલાએ એસીડ પી મોત વ્હાલ કર્યુ છ.
ઠાસરા તાલુકાના પાંડવણીયા ગામે ખ્રિસ્તી ફળીયામા રહેતા પ્રવિણભાઈ અંબાલાલ વણકર પોતે ઓટો રીક્ષા ડ્રાઈવીગ કરે છે. તેમને સંતાનમાં બે દીકરાઓ છે જે પૈકી એક યુવા અવસ્થામાં તો અન્ય કિશોર અવસ્થામાં છે. નાનો દીકરો સ્કૂલે હોય તો મોટો દીકરો કોલેજમા હોય આ પ્રવિણભાઈની પત્ની કપીલાબેન આખો દિવસ ઘરે એકલા જ હોય છે.ગયા જાન્યુઆરી માસમાં પ્રવિણભાઈને નવું મકાન બનાવવાનું હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે ગામમાં અન્ય જગ્યાએ સ્થાઈ થયા હતા. દરમિયાન મકાન માલિકની પત્નીએ આ પ્રવિણભાઈને કહ્યું કે તમારી ગેરહાજરીમાં ગામમાં રહેતા હેમંત વીલીયમભાઈ વણકર રહે.- ખ્રિસ્તી ફળીયુ, પાંડવણીયા તમારી પત્નીને મળવા માટે ઘરે આવે છે. તેઓ બન્ને વચ્ચે આડા સંબંધ છે. મે તેઓને કઢંગી હાલતમાં પણ જોયેલા છે. તે રીતેની વાત પ્રવિણભાઇને કરી હતી.
જેથી પ્રવિણભાઈએ આ બાબતે પોતાની પત્ની કપીલાને પુછતા તેણીએ આવુ કાંઈ નથી તેમ કહ્યું હતું. પ્રવિણભાઈના મકાનનુ કામ પુરુ થતાં તેઓ પોતાના મકાનમાં રહેવા ગયા હતા. દરમિયાન તેઓ જ્યારે સાંજે પરત આવે ત્યારે આ હેમંત વીલીયમભાઈ વણકરને પોતાના ઘરમાંથી બહાર નીકળતા જોતા હતા. આજથી આશરે પંદરેક દીવસ પહેલાં પ્રવિણભાઈ વડોદરા ખાતે ધંધા અર્થે ગયેલ નહી અને તેમના ઘરે હાજર હતા ત્યારે બપોરના આશરે બે વાગે હેમંત વણકરનાઓ તેમના ઘરમાં આવી ચઢ્યા હતા. જેથી પ્રવિણભાઈએ આ હેમંતને કહ્યું કે તમે મારા ઘરે શુ કામ આવો છો તેવો ઠપકો આપતા આ હેમંતએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. જે બાબતે સામસામે ડાકોર પોલીસમાં અરજી અપાઈ હતી. જોકે સમાજના અગ્રણીઓએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ આ પ્રવિણભાઈએ પોતાની પત્ની કપિલાને સમજાવી આ પ્રકારના સંબંધ રાખવા યોગ્ય નથી જેથી કપીલાબેને આ સંબંધ પર પૂર્ણવિરામ મુક્યો હતો. આમ છતા હેમંત મહિલાના પતિની ગેરહાજરીમાં અવાર-નવાર ઘરે આવતો હતો. અને કપીલાબેનને કહેતો કે, ‘તું તારા પતિથી ડરી ગયેલ છે. પરંતુ, તારે ડરવાની જરૂર નથી. હું તારી સાથે જ સંબંધ રાખીશ તારે પણ મારી સાથે સંબંધ રાખવા પડશે, કાં તો તું મારી સાથે સંબંધ રાખ કાં તો મરી જા તે રીતેની ધમકી હેમંત વણકરે આપી હતી. તે બાબતની જાણ કપીલાબેને પોતાના પતિ પ્રવીણભાઈને પણ કરી હતી. જોકે પ્રવિણભાઇ આશ્વાસન આપતા આમ છતા આ હેમંતે તેણીને હેરાન પરેશાન કરવાનુ ચાલુ રાખ્યું હતું. જેથી ડરી ગયેલા કપિલાબેને ગત 25 જુનના રોજ પોતાના ઘરમાં રાખેલ ટોયલેટ સાફ કરવાનુ એસીડ ગટગટાવ્યું હતું. આ બાબતની જાણ પ્રવિણભાઇને થતા તેઓ તુરંત પોતાના ઘરે આવી પોતાની પત્નીને નજીકના હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે નડિયાદ તે ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કપિલાબેનનુ મોત નિપજ્યું હતું. જોકે આ પહેલા કપીલાબેને પોતાની આપવીતી પોતાના પતિ પ્રવિણભાઇને જણાવી અને આ આડા સંબંધ રાખવા મજબુર કરનાર હેમંતના કારણે આ પગલું ભર્યું હોવાની હકીકત જણાવી હતી. આથી આ બનાવ મામલે પ્રવિણભાઈ અંબાલાલ વણકરે પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખવા મજબુર કરનાર હેમંત વીલીયમભાઈ વણકર વિરૂધ્ધ ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.