યાત્રાધામ ડાકોરમાં વરસાદી પાણી ભરાતા યાત્રાળુઓ અને નગરજનોને હાલાકી
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની કારણે સામાન્ય વરસાદમાં પણ ડાકોરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. જે પાણીને ઓસરતા લાંબો સમય લાગતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડાકોરમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાય જાય છે અને કાદવ કિચ્ચડનુ સામ્રાજ્ય જોવા મળે છે. નગરના મંદિરના ચોગાન પાસે, વિશ્વકર્મા વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, નવીનગરી, ડુંગરાભાગોળ, નવો ફ્લાય ઓવરબ્રિજ બન્યો તે સર્વિસ રોડની સોસાયટીઓ સહિત નિચાણવાળી સોસાયટીના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના તેમજ ધીમી ગતિએ વરસાદી નીર ઓસરવાના પ્રશ્ન છે. જેના કારણે આ વિસ્તારના રહીશો, વૈષ્ણવોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. વિદ્યાર્થીઓને શાળાએ આવાજવ માં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક પુનમબેન વ્યાસે જણાવ્યું કે, થોડા વરસાદમાં અમે મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે મંદિરની આસપાસ પાણી ભરાઈ જાય છે. આ ઉપરાંત નગરના ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જાય છે. શાક માર્કેટમાં શાક લેવા જઈએ તો પણ ત્યાં કાદવ કીચ્ચડ હોય છે અને ક્યારેક પડી જવાનો ભય સતાવતો રહે છે. આ સાથે સાથે સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે પાણીનો રસ્તો નથી. જેથી સોસાયટીના રહીશોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડે છે. પાણી ઓસર્યા બાદ પણ કાદવ કિચ્ચડનુ સામ્રાજ્ય હોય છે.
