નડિયાદ પાલિકાએ બાકી વેરો વસૂલવા કડક કાર્યવાહી શરૂ કરી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ નગરપાલિકાએ બાકી ટેક્સ વસુલાત કરવા માટે પાલિકાના હદ વિસ્તારમાં આવતા મોટા એકમો પર નોટીસ આપવામાં આવી છે અને બે દિવસમા ટેક્સ ભરપાઈ કરવા તાકીદ કરી છે.
નડિયાદ નગરપાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીઓ શહેરના મોટા એકમોના પાછલાં બાકી લેણાં ભરપાઈ કરાવવા માટે કવાયત હાથ ધરાઈ છે. નગરપાલિકામાં અંદાજીત ૧૧ કરોડ ઉપરાંતનો પાછલા વર્ષોનો ટેક્સ વસુલવાનો બાકી છે. આથી ટેક્સ વિભાગે ગઈકાલે શહેરમાં આવેલા મોટા એકમોનો ટેક્સ બાકી હોય, તેમને નોટીસ પાઠવવાનું શરૂ કર્યુ છે. ગઇકાલે આવા પાચ જેટલા મોટા એકમોને મિલકત માલિકોને ટેક્સ ભરપાઈ કરવા માટે સમજાવવા આવ્યા અને નોટીસો પણ પાઠવી હતી. ટેક્સ ભરવા માટે બે દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે. જે સમયગાળામાં ટેક્સની ભરપાઈ ન થાય તો બે દિવસ બાદ મિલકતોને સીલ કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ વચ્ચે નોટીસો પાઠવ્યા બાદ નગરપાલિકામાં એક જ દિવસમાં ૧.૫૫ લાખનો ટેક્સ ભરપાઈ થયો છે. આ ઉપરાંત હજુ આગામી દિવસોમાં પણ નગરપાલિકાની આ કામગીરી યથાવત રહેવાની છે, જેના પગલે હવે ટેક્સ બાકી ધરાવતા હોય, તેવા મિલકધારકોએ પણ નગરપાલિકામાં ટેક્સની ભરપાઈ કરવા દોડ મુકી છે. નગરપાલિકાની કાર્યવાહીના પગલે ટેક્સની મોટી રકમો બાકી ધરાવતા હોય, તેવા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.