પરિણિતાને સાસરીમાં ત્રાસ આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ
નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરા વિસ્તારની યુવતીના સાસરી પક્ષના લોકોએ છૂટાછેડા આપવાનુ કહી પીડીતાને સાસરેથી કાઢી મૂકી હતી. આથી આ મામલે પીડીતાએ પોતાનો ઘર સંસાર બચાવવા પતિ, સાસુ, સસરા અને દિયર વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ઠાસરા તાલુકાના ઢુણાદરા પરબડી વિસ્તારમા રહેતી અને ગ્રેજ્યુએશન યુવતીના ચાર વર્ષ પહેલા લગ્ન વડોદરા સાવલી તાલુકાના અમરાપુરા ગામના યુવાન સાથે થયા હતા. શરૂઆતમાં ઘર સંસાર સારો ચાલતા દંપતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતા. દરમિયાન પતિનું ઉપરાણું લઈને પીડીતાના સાસુ, સસરા અને દિયર પણ ગમેતેમ પરેશાન કરતા હતા. જેથી પરીણિતા રીસાઈને પોતાના પિયર આવી ગઈ હતી. જોકે, ગૃહસ્થ જીવનમાં ભંગાણ ન સર્જાય તે હેતુસર પીડીતાના પિતા પોતાની દીકરીને સમજાવી સાસરે મુકી જતા હતા. ગઇસાલ પણ સાસરીયાઓએ બોલાચાલી કરી હતી અને છુટાછેડા આપી દે તેમ કહી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. ત્યારબાદ સાસરીના લોકોએ પીડીતાને સાસરેથી કાઢી મૂકી હતી. આ બાદ પીડીતાએ ઠાસરા કોર્ટમાં ભરણપોષણનો કેસ મૂક્યો હતો. જોકે, બાદમા વાત છુટાછેડા સુધી પહોંચતા પીડીતાએ પોતાનો ઘર સંસાર બચાવવા મહિલા પોલીસમાં અરજી આપી હતી. પરંતુ સમાધાન ન થતા છેવટે ગઇ કાલે પરીણિતાએ ડાકોર પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા અને દિયર એમ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
