મહુવા-સુરત એક્સપ્રેસ ટ્રેનમાં નડિયાદ પાસે મહિલાનુ પર્સ ચોરાયું
નરેશ ગનવાણી નડિયાદ
ટ્રેનમાં મુસાફરી કરતા મહિલાના રૂ ૧.૭૭ લાખની મત્તા ભરેલાના પર્સની ચોરી થઇ હતી. આ બનાવ અંગે અસ્મિતાબેન સુરેશભાઇ સૂચક નડિયાદ રેલ્વે પોલીસ સ્ટેશનને અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.
સુરતના અસ્મિતાબેનના પિતા એક વર્ષ અગાઉ મરણ ગયા હોવાથી તેની મરણ તિથિ ઉજવવાની હતી. જેથી તા. ૨૫ જૂનના રોજ આધેડ મહિલા અને તેના બનેવી તેના વતન સાવરકુંડલાની બાજુમાં આવેલ બીજવણી ગામ ગયા હતા. ત્યાં વિધિ પૂરી કરી આધેડ મહિલા તા.૨૯ જૂનના રોજ મહુવા-સુરત એક્સપ્રેસ ટ્રેનમાં પરત આવી રહ્યા હતા. ત્યારે મહિલા તેમનો સામાન સીટ પાસે મૂકી સૂઈ ગઈ હતી. અને નડિયાદ પાસે કોઇ શખસ પર્સ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. મહિલાના ચોરી થયેલ પર્સમાં સોનાના દાગીના, મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ ૧.૭૭ લાખની મત્તાની ચોરી થઇ હતી. આ બનાવ અંગે અસ્મિતાબેન સુરેશભાઇ સૂચક નડિયાદ રેલ્વે પોલીસ સ્ટેશનને અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
