બેસણાંમાં આવેલા સ્નેહીજનોને રોપા આપી પ્રકૃતિનું જતન કરવાનો સંદેશો પાઠવ્યો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં એક જૈન પરિવારે અનોખી પહેલ કરી છે. પરિવારના મોભીનું અવસાન થતાં તેમના બેસણાંમાં આવેલા સ્નેહીજનો અને સગા સંબંધીઓને રોપા આપી પ્રકૃતિનું જતન કરવાનો સંદેશો પાઠવ્યો છે.
નડિયાદમાં પીપલગ રોડ પર આવેલ વસંત વિહારમાં રહેતા અને નડિયાદ જૈન સમાજના અગ્રણી એવા વોહેરા બાબુલાલ લલ્લુભાઈનુ ૯૦ વર્ષની વયે ૭ જુલાઈના રોજ દેહાંત થયું હતું. તેમણે નડિયાદને પોતાની કર્મભુમિ બનાવી અને ધર્મ, સમાજ કલ્યાણના ઉચ્ચ સંસ્કારનું ભાથું પરિવાર તેમજ સમાજને અર્પણ કર્યુ છે. મંગળવારે સ્વર્ગસ્થનુ બેસણું યોગી ફાર્મના હોલમાં રાખવામાં આવ્યું હતું. જેમાં બાબુલાલના બંને પુત્રો રમેશભાઈ અને ભરતભાઈ દ્વારા પિતાની યાદમાં બેસણામાં આવતા દરેક સગા સંબંધીઓને રોપા આપ્યા હતા. બે-બે ફુટના જાસૂદના અને પવિત્ર તૂલસીના રોપા આપી પ્રકૃતિનું જતન કરવા હાકલ કરી હતી. આમ આ પ્રકૃતિ પ્રેમીએ પ્રકૃતિનું જતન કરવાનો સંદેશો પાઠવ્યો છે.
