દાહોદ પ્રકૃતિ મંડળ દ્વારા રેલ્વે મેઇન હોસ્પિટલની પાછળ આવેલ લાલ ટેકરીની જગ્યામાં ત્રણ કલાકના શ્રમયોગ થકી 750 જેટલા વૃક્ષો રોપ્યા.

દાહોદમાં અંદાજે છેલ્લા દસ વર્ષથી સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હેઠળ મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે. તેમાં શું શું સ્માર્ટ થયું? અને કોણ કોણ સ્માર્ટ થયા? તે ખરેખર ચર્ચાનો વિષય છે. પરંતુ આ કામગીરી દરમિયાન શહેરીજનોને જે મુશ્કેલીઓ પડી છે. અને હજી પણ પડી રહી છે. તેનો અહેસાસ એકે એક નગરજનો કરી રહ્યા છે. ત્યારે આ કામગીરી થકી સૌથી વધુ દાહોદના પર્યાવરણને સહન કરવું પડ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલતી કામગીરી દરમિયાન કોઈની પણ રજૂઆતો સાંભળ્યા વિના વર્ષો જૂના અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. સમગ્ર રસ્તાઓ ઉપર સિમેન્ટ, ડામર છવાઈ ગયો છે. ક્યાંયથી પણ પાણી જમીનમાં ઉતરે જ નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે. તેઓ દ્વારા નવા વૃક્ષો ઉછેરવાનું કોઈપણ જાતનું આયોજન નથી. અને હવે તો જાહેરમાં ક્યાંય એવી ખુલ્લી જગ્યા જ રાખી જ નથી કે જ્યાં વૃક્ષો ઉછેરી શકાય……. પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ છેલ્લા 40 વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે વૃક્ષારોપણ કરી રહ્યું છે. આપણી આસપાસ જ અનેક વૃક્ષો ઉછેર્યા છે.સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નડતરરૂપ માની પ્રકૃતિ મંડળ દ્વારા ઉછેરેલા શહેરના વિવિધ માર્ગો ઉપરના અનેક વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. પ્રકૃતિ મિત્ર મંડળની વૃક્ષ ઉછેરની કામગીરીથી પ્રભાવિત થઈ પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પ્રકૃતિ મંડળની ફ્રીલેન્ડગંજની માલિકીની વિવિધ જગ્યાઓ વૃક્ષારોપણ માટે ફાળવી હતી. જ્યાં છેલ્લા છ જેટલા વર્ષોમાં દાહોદ પ્રકૃતિ મંડળ દ્વારા રેલ્વે, વન વિભાગ, શહેરની વિવિધ સંસ્થાઓ, અને મંડળના સભ્યો વગેરેના સહયોગ થકી ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. દાહોદના કોઈપણ રહીશ આ જગ્યાએ જઈ જંગલનો અહેસાસ કરી શકશે. આ વર્ષે પણ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂબરૂ આવી દાહોદ પ્રકૃતિ મંડળને રેલવે મેઈન હોસ્પિટલ પાછળ આવેલી લાલ ટેકરી ની જગ્યા ફાળવવામાં આવી હતી. તે જગ્યાએ દાહોદ પ્રકૃતિ મંડળના સભ્યોએ સહુના સહયોગથી અગાઉના વર્ષોમાં જોવા મળતા 750 જેટલા દેશી વૃક્ષો ફક્ત ત્રણ કલાકમાં જ સૌના સહિયારા શ્રમ યજ્ઞ થકી રોપવામાં આવ્યા હતા.

