પતિએ પોતાની પત્ની અને દીકરા પર ચપ્પા વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ
નરેશ ગનવાણી નડિયાદ
માતરના ઉંટઈ ગામે મનમેળ ન બેઠેલા અને બાજુબાજુમાં રહેતા પતિ-પત્ની વચ્ચેની તકરાર સામે આવી છે. પત્નીએ પતિના ઘરની બાજુમાં આવેલા માંડવામાં કપડા સુકાવતા જેની રીસ રાખીને પતિએ ગાળો બોલી હતી અને મામલો બિચકતા આક્રોશમાં આવેલા પતિએ પોતાની પત્ની અને દીકરા પર ચપ્પા વડે હુમલો કર્યો છે. આ બનાવમાં માતા-પુત્ર ઘાયલ થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે માતર પોલીસમાં પતિ વિરુદ્ધ ઈજાગ્રસ્ત પત્નીએ ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માતર તાલુકાના ઉંટઈ ગામે ઈન્દિરાનગરીમાં લતાબેન રાજુભાઇ સેનવા તેમના પતિ રાજુભાઇ સેનવા અવારનવાર મારઝૂડ કરતા હોય આ લતાબેન અડીને આવેલા જુદા ઘરમાં કેટલાય સમયથી રહે છે. ગતરોજ સવારના આઠ વાગ્યાની આસપાસ લતાબેન કપડા ધોઇ નજીકમાં રહેતા તેમના પતિના ઘર આગળ બનાવેલ લાકડાના માંડવામાં કપડાં સૂકવતા પતિ રાજુભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગ્યા હતા. પતિએ પોતાની પત્નીને લાફો પણ ઝીકી દીધો હતો. મામલો એટલો ગરમાયો કે આક્રોશમાં આવેલા પતિએ ચપ્પુ લઈ પોતાની પત્ની પર બે વખત હુમલો કરી દીધો હતો. બુમાબુમ થતાં પુત્ર વચ્ચે છોડાવવા પડતા આ રાજુએ પોતાના પુત્રને પણ ચપ્પુ મારી દીધું હતું. બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં મહિલાની હાલત વધુ ગંભીર બનતા ખેડા સિવિલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલમાં રીફર કરાઈ છે. જોકે હાલ સ્થિતિ સુધારા પર હોવાથી આ બાબતે ઈજાગ્રસ્ત થયેલા લતાબેને હુમલાખોર પોતાના પતિ રાજુ અંબાલાલ સેનવા સામે માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.