ખેડા જિલ્લાના કપડવંજના ફુલજીની મુવાડીમાં ચાદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાયો
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ તાલુકાના ફુલજીની મુવાડીમાં ચાર વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાતા બાળ દર્દીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લામાં આ બીજો કેસ હોય ત્યારે આરોગ્ય તંત્રએ તમામ પ્રકારની કામગીરી ચાલુ કરી દીધી છે. હાલમાં સર્વેની કામગીરી તેમજ જે તે ગામમાં દીવાલની તિરાડો પુરવા માટેની કામગીરી ચાલે છે.
કપડવંજ તાલુકાના ફૂલજીના મુવાડા ગામ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસ મળ્યો છે. ચાર વર્ષના બાળકને ચાંદીપુરાના રોગના લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો છે. શંકાસ્પદ કેસને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં મકાનોની સર્વે કરી જેટલી લીપણ વાળી દિવાલના કાણા પુરવાનું શરૂ કર્યું છે. હાલમાં જિલ્લામાં તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવાની કામગીરી ચાલી રહી છે. આરોગ્યની ટીમોને સર્વેની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે. જ્યારે જુના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના દિવાલોની તિરાડોને માટીના લીપણથી પુરાવવાની, કાચા મકાનોની દિવાલોની ફકત ધાર ઉપર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ અને ઢોર-કોઠારની ધાર પર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત દર્દીનું લોહી સેમ્પલ એન.આઈ.વી.-પુણે ખાતે પોઝીટીવની ખાત્રી કરવા મોકલી આપવાની કામગીરી હાલમાં ચાલે છે.