મહુધા પાસે બાઇક સ્લીપ થઈ જતાં પાછળ બેઠેલી મહિલાનું મોત, ચાલક ઘાયલ
નરેશ ગનવાણી નડિયાદ
મહુધા પાસે મોટરસાયકલ સ્લીપ ખાઈ થઇ જતા પાછળ બેઠેલ મહિલાનુ મોત નિપજ્યું છે. જ્યારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ બનાવ મામલે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મહુધા તાલુકાના સરદારપુરા કેનાલ પાસે રહેતા અશોકભાઈ કાળાભાઈ ઝાલા પોતે ખેતીકામ કરે છે અને અશોકભાઈ તથા તેમની પત્ની કૈલાશબેન સાથે બાઇક પર બપોરે ચકલાસી ગામે જતા હતા. બાઇક અશોકભાઈ ચલાવતા હતા. મહુધાના ખલાડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક રોડ પર સ્લીપ ખાઈ ગયું હતું. જેથી બાઇક ચાલક અશોકભાઈ અને પાછળ બેઠેલ તેમની પત્ની કૈલાશબેન બંને રોડ પર પટકાયા હતા. કૈલાશબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.