મેમદાવાદના હનુમાનજી મંદિર પાસે રોડ ઉપર મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો પરેશાન
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદથી અમદાવાદ તરફ જતાં માર્ગ ઉપર આવેલા હનુમાનજી મંદિર પાસેનો માર્ગ છેલ્લા લાંબા સમયથી બિસ્માર અને જોખમી હાલતમાં ફેરવાઇ ગયો છે. જેને લઇને આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહેમદાવાદથી અમદાવાદ હાઇવે ઉપર જતાં હનુમાનજી મંદીર પાસેથી પસાર થતાં રોડ ઉપર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોને – રાહદારીઓને તથા હનુમાન મંદિર દર્શન કરવાં જતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ રસ્તો અમદાવાદ તરફ જતાં હાઇવે ઉપર જવા માટેનો મહત્વનો માર્ગ હોવાથી વાહનચાલકો આ રસ્તાનો મોટાપાયે ઉપયોગ કરે છે. મહેમદાવાદથી ખાત્રજ ચોકડી તરફ જતાં રોડ ઉપર હનુમાનજી મંદિર આવ્યું છે જેની બાજુમાંથી રોડ પસાર થાય છે. આ માર્ગ પર હાલમાં મસમોટા ખાડા પડ્યા છે. જેને કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા આ જોખમી ખાડાઓ પુરવાની સાથે સાથે રોડની મરામત કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.