કણઝર- માંડવ ખાતે એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ
એકતા રથનું દિવસ દરમિયાન ૧૦ ગામોમાં પરિભ્રમણ સાથે એકતાનો સંદેશો આપ્યોઃ ઠેર ઠેર ભાવભીનું સ્વાગત
દાહોદઃ શનિવારઃ ભારત દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે ૫૬૨ જેટલા રજવાડાઓનું વિલીનકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કર્યુ હતુ. ભારત દેશના શિલ્પી સરદાર સાહેબ જેવી મહાન વિભૂતીને તેમના એકતાના સંદેશને તેમના કાર્યો, આદર્શોને લોકો યાદ કરે, નવી પેઢી યાદ કરે અને દેશ એક સૂત્રતામાં કાયમ રહે તે માટે દેશના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિર્ધ દ્રષ્ટિ સાથે સરદાર સાહેબની ૧૮૨ મીટર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ રાજયના નર્મદા જિલ્લાના કેવડિયા, સરદાર સરોવર ડેમ, સાધુ ટેકરી ખાતે પ્રસપિત કરી છે. જેનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીના હસ્તે તા. ૩૧-૧૦-૨૦૧૮ના રોજ થનાર છે. એકતાનો સંદેશો જન જન સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારે એકતા રથ રાજ્યના ૧૦ હજાર ગામોમાં પરિભા્રમણ કરી રહી છે. તદનુસાર દાહોદ જિલ્લામાં બે રથ સાથે એકતા યાત્રા પરિભ્રમણ કરી એકતાનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
તદ્નુસાર ધાનપુર તાલુકાના અંતરિયાળ, ડુંગરાળ, પહાડી વિસ્તાર કણઝર – માંડવ ખાતેથી એકતા રથનું પ્રસ્થાન રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ તથા મહાનુભાવોના હસ્તે એકતા યાત્રાની ઝંડી આપ્ી કરાવ્યું હતું.
દિપ પ્રાગટ્ય સાથે એકતા સભાને સંબોધતાં ગ્રામ વિકાસ રાજ્ય મં૦ત્રીરી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ કે દેશની એકતા અખંડિતતાના પ્રણેતા, દેશની આઝાદીમાં પૂ. ગાંધીજી બાપુની સાથે રહીને દેશને બ્રિટીશરોની ગુલામી માંથી મુક્ત કરાવવા માટે સિંહ ફાળો આપનાર સરદાર સાહેબને અગાઉ ભુલાવી દેવાયા. વડાપ્રધાનશ્રીએ આ મહાન વિભૂતિના કાર્યો, આદર્શોને નવી પેઢી યાદ કરે અને દેશની એકતા માટે પોતાનો સહયોગ આપે તે માટે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કર્યુ છે. આ મહાન વિભૂતિની પ્રતિમાના નિર્માણમાં દેશના છ લાખ ગામડાના ખેડૂતોના નકામા, તૂટેલા લોખંડના ઓજારોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર અને રાજ્યના નવતર કદમ થકી દેશ વિદેશના પ્રવાસીઓ માટેનું પ્રવાસન સ્થળ બની રહેશે. ઉધોગ ધંધા વિકસશે. સ્થાનિક ગરીબ આદિવાસી જનસમુદાયને-લોકોને રોજગારી પ્રાપ્ત થશે.દેશની એકતા અખંડિતતા કાયમી બની રહે અને વિશ્વ ફલક ઉપર ઉપસી આવે તે માટે સહીયારા પ્રયાસો કરીએ તેમ ઉપસ્થિત જન મેદનનીને આહ્વાન કર્યુ હતુ.
આ પ્રસંગે ધાનપુર તાલુકાના માજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રદિપભાઇ વહોનીયાએ પ્રાસંગોચિત પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા દેશને અખંડિત રાખવા માટે યુવા પેઢી સહિત આવનારી પેઢીને પ્રેરણાદાયી બની રહેશે.કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કનુભાઇ ભરવાડે કર્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા રજીસ્ટ્રારશ્રી પી.પી.ચારેલ, મામલતદારશ્રી બી.યુ.રાઠવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.કે.પરમાર, પશુચિકિત્સક ર્ડા. ઉત્સવ બારીયા, દાહોદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ગોપસિંગભાઇ લવાર, જિલ્લા સભ્યશ્રી અભેસિંહ મોહનિયા, સરપંચશ્રી મનહરસિંહ તડવી, જિલ્લા-તાલુકાના સદસ્યશ્રીઓ, શિક્ષકગણ, ગામ આગેવાનો, આદિવાસી ખેડૂત ભાઇ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એકતા રથનું અહીંના પારંપરિક વાજિત્રો, ઢોલ, શરણાઇ, થાળી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.