ઓનલાઇન લસણ ખરીદવા જતા વેપારીને ગઠિયાએ ૩.૪૫ લાખનો ચૂનો લગાવ્યો
નરેશ ગનવાણી નડિયાદ

ગળતેશ્વર પંથકમાં રહેતા અને બાલાસિનોર ખાતે લસણ, ડુંગળીનો હોલસેલ વેપાર કરતા વેપારીને ગઠિયાએ લસણના ઓર્ડરના નામે રૂપિયા પડાવી લેતા વેપારીએ સાયબર ક્રાઇમમાં અને એ ગતરોજ સેવાલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગળતેશ્વર તાલુકાના રોઝવા ગામે નવીનગરી વિસ્તારમાં શેખ અલ્તાફહુસેન જે બાલાસિનોરમાં લસણ, ડુંગળીનો હોલસેલ વેપાર કરે છે. ગત 18 જુન 2024ના રોજ તેમના સાઢુ આરીફભાઈએ આ અલ્તાફભાઈને જણાવેલ કે, મારે એક મધ્યપ્રદેશના લસણના વેપારી સાથે ફેસબુક ઓલ ઈન્ડિયા ગાર્લિકસ સપ્લાયર્સથી સંપર્ક થયો છે. તેનો નંબર સેવ કરેલ છે આ વ્યક્તિનું નામ રાજીવ ગુપ્તા છે અને તે અભિ ટ્રેડર્સ નામે લસણનો હોલસેલ વેપાર કરે છે. મે અગાઉ આ રાજીવ ગુપ્તાને ફોન પર વાત કરી હતી. જો તમારે લસણ મંગાવવુ હોય તો નંબર આપુ જેથી અલ્તાભાઈ અને આરીફભાઈએ 19 જુનના રોજ ટેલીફોનીક વાત કરતા સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખાણ રાજીવ ગુપ્તા તરીકે આપી હતી. અને તેણે લસણના વોટ્સએપ પર ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. જે લસણનો માલ આ પસંદ પડતા 3 હજાર કિલો લસણ ઓર્ડર આપ્યો હતો. સામેવાળી વ્યક્તિ કહ્યું કે ત્રણ ટનના કુલ રૂપિયા ૩ લાખ ૮૫ હજાર થશે જેના ૬૦ ટકા પેમેન્ટ એડવાન્સ આપવું પડશે તેમ કહી અલગ અલગ દિવસો દરમિયાન કુલ રૂપિયા ૩ લાખ ૪૫ હજાર આપ્યામ હતા.
ત્યારબાદ ગઠિયાએ કહ્યું કે, તમારો માલ ભરેલી ગાડી રવાના થઈ ગઈ છે, લુણાવાડા આવી ગઈ છે, તમારા દુકાનથી ૧૦ કીમી દૂર છે તેમ જણાવી ઓનલાઇન રૂપિયા પડાવ્યા હતા. પરંતુ માલ બપોર સુધી ન મળતા વેપારી શેખ અલ્તાફહુસેનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સમગ્ર મામલે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર અને ગઇકાલે સેવાલીયા પોલીસ સ્ટેશને નાણાં પડાવનાર ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
