વિજ કરંટ લાગવાથી બે સગા ભાઇ અને એક કૌટુંબિક ભાઇનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરાના ઢુણાદરા ગામમા ન્હાવા ગયેલા યુવકે ભીના હાથે સ્વિચને અડતાં તેને કરંટ લાગ્યો જેને બચાવવા જતાં અન્ય બે યુવકોએ પણ જીવ ગુમાવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી છે. ઠાસરા તાલુકાના ઢુણાદરામાં પરમારપુરા ખાતે રહેતા જગદીશભાઇ ગુણવંતભાઇ પરમાર ન્હાવા ગયા હતા. જ્યાં તેઓએ ભીના હાથે સ્વીચને અડતાં તેમને વિજ કરંટ લાગતાં તેમના મોટા ભાઇ નરેન્દ્રભાઇ ગુણવંતભાઇ પરમાર તેમને બચાવવા દોડી ગયા હતા. આ સમયે નરેન્દ્રભાઇને પણ કરંટ લાગતાં નજીકમાંથી તેમના કાકાના દીકરા ભાનુભાઇ બુધાભાઇ પરમાર દોડી આવ્યા અને તેઓને પણ બંને ભાઇઓને બચાવવાનો પ્રયાસ કરવા જતાં વિજ કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો અને આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ત્રણેય ભાઇઓને બચાવીને ૧૦૮ દ્વારા હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ ત્રણેય ભાઇઓનું મોત નિપજ્યું હતું.
