કાર ચાલકે બાઈકને ટક્કર મારતા સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામા ઈકો કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું  તો વળી કાર ચાલકે પોતાનો કારનો નંબર ઈજાગ્રસ્ત મહિલાના હાથમાં આપી તમે દવાખાને જાવ હું પાછળ આવું છું તેમ કહી રવાના થઈ ગયો હતો. આ બનાવમાં મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજતા છેવટે મહિલાએ આ કાર ચાલક સામે સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાગરડી ગામે વિક્રમભાઈ કેશુભાઈ ભાભોર રહે છે. આ દંપતીને ત્રણ સંતાનો છે ત્રણેય સંતાનો આણંદ જિલ્લાના તારાપુરના ઈન્દ્રજણમા આવેલ આશ્રમમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ રહે છે. વિક્રમભાઈ અને તેમની પત્ની ચંપાબેન ૨૮ જુલાઈના રોજ બાઇક પર ઉપરોક્ત સ્થળે નીકળ્યા હતા. આ દરમિયાન ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ પાસેથી પસાર થતાં હતા. ત્યારે એક ઈકો કારે બાઇકને ટક્કર મારી હતી. જેથી બાઇક ચાલક વિક્રમભાઈ અને પાછળ બેઠેલ તેમની પત્ની ચંપાબેન બંને રોડ પર પટકાયા હતા. બંનેને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈકો કાર ચાલક પણ દોડી આવ્યો હતો. અને ૧૦૮ એમ્બ્યુલન્સ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા. આ પહેલા આ ઈકો કાર ચાલકે ઈજાગ્રસ્ત મહિલાને કહ્યું કે તમે દવાખાને જાવ હું પાછળ આવું છું તેમ કહી એક કાગળમાં આ કારનો નંબર આપી રવાના થઈ ગયો હતો. જોકે આ તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિક્રમભાઈને વધુ સારવાર અર્થે ગોધરા દાખલ કરેલ હતા ત્યાથી વધુ સારવાર અર્થે દાહોદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ગતરોજ બપોરે આ વિક્રમભાઈનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે ઈજાગ્રસ્ત ચંપાબેનેની ફરિયાદના આધારે ઉપરોક્ત કાર ચાલક સામે સેવાલીયા પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!