નડિયાદમાં કોલેજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લા આરોગ્યતંત્ર અને ડો. એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ સ્તનપાન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો. પ્રાર્થના ખરોડ પટેલે પ્રેઝન્ટેશન દ્વારા સ્તનપાનના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બાળકને માતાનું પૂરતું દૂધ મળે તો જીવનભર ઘણી બિમારી થતી નથી. નવજાત શિશુને જન્મ પછી છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ દૂધમાં એન્ટીબોડીઝ હોય છે, જે વાઇરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. જેનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. વળી, સ્તનપાન સ્ત્રીઓમાં સ્તન કેન્સર, અંડાશયના કેન્સર, પ્રકાર ૨- ડાયાબિટીસ અને હૃદય સંબંધીત રોગોનું જોખમ ઘટાડે છે. વિશ્વ સ્તનપાન દિવસ અને સપ્તાહની ઉજવણી મહિલાઓમાં જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે જેનાથી બાળ મરણનું પ્રમાણ ઘટે છે.
આ કાર્યક્રમમાં નડિયાદ, મહુધા અને વસો તાલુકાની આશા, આશા ફેસીલેટર અને સી.બી.વી. બહેનોએ હાજર રહીને ઉપયોગી માહિતી મેળવી હતી, જે તેઓને ફિલ્ડ કામગીરીમાં દરમિયાન એચ.બી.એન.સી. કામગીરીમાં ઉપયોગી બની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્યતંત્રના અધિકારીઓ તથા ડો. એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.