મુખ્યમંત્રીના  હસ્તે કપડવંજ નગરપાલિકા સ્થિત સીટી સીવીક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

નરેશ ગનવાણી નડિયાદ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવનિર્મિત રાજ્યની ૩૧ નગરપાલિકાઓના સીટી સિવિક સેન્ટરનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે બાલાસિનોર ખાતેથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ કપડવંજ નગરપાલિકા સ્થિત સીટી સીવીક સેન્ટરનું  ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે ઉપસ્થિત રહી કપડવંજ નગરપાલિકા ખાતે સીટી સિવિક સેન્ટરનું તખ્તી અનાવરણ કર્યું હતું. મંત્રીએ જન્મ અને લગ્ન નોંધણી પ્રમાણપત્રોનું વિતરણ કરી સીટી સેંટરની સુવિધાઓનો  શુભારંભ કરાવ્યો હતો. સીટી સિવિક સેન્ટરની શરૂઆત થતા કપડવંજની અંદાજિત ૫૦ હજારથી વધુ વસ્તીને વિવિધ સેવાઓનો લાભ મળશે. આ સાથે મંત્રીશમના હસ્તે કપડવંજ નગરપાલિકા માટે ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે સીટી સિવિક સેન્ટરની શરૂઆત થતા કપડવંજના નાગરિકોને અનેકવિધ યોજનાઓ અને સેવાકીય દસ્તાવેજ માટેનો લાભ એક જ જગ્યાએથી મળી શકશે. તેમણે ઉમેર્યું હતું કે ભારત સરકારે બજેટમાં સ્ત્રી શિક્ષણ, યુવાનોના કૌશલ્ય અને પ્રાકૃતિક ખેતી માટે વિશેષ જોગવાઈઓ દ્વારા સામાજિક ઉત્કર્ષ માટેની કામગીરીને વધુ મજબૂત બનાવી છે.
વધુમાં, મંત્રીએ આગામી સમયમાં કપડવંજમાં બાયપાસ રોડ બનાવવાના પ્રયાસ માટે પૂરતો સહયોગ આપવા ખાતરી આપી હતી. આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલાએ કપડવંજ ખાતે નવા સીટી સિવિક સેન્ટરના શુભારંભ બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
કપડવંજ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ દ્વારા કાર્યક્રમમાં સૌને આવકારવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર કૈલાશબેન પ્રજાપતિ દ્વારા પ્રાસંગિક ઉદબોદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા ધારાસભ્ય રાજેશ ઝાલા, કપડવંજ નગર પાલિકા પ્રમુખ વર્ષા પંચાલ, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, ડીવાયએસપી સોલંકી, કપડવંજ નગરપાલિકા ચીફ ઓફિસર કૈલાશબેન પ્રજાપતિ, કપડવંજ મામલતદાર, કઠલાલ ચીફ ઓફિસર, જિલ્લા સેવા સહકારી સંઘ ચેરમેન, એપીએમસી ચેરમેન, કારોબારી સમિતિના અધ્યક્ષ , કપડવંજ નગરપાલિકા ઉપપ્રમુખ, આગેવાનો અને  નાગરિકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: