કપડવંજ પાસે ચેકડેમ તૂટી જવાથી નવો ચેકડેમ બનાવવામાં આવશે
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ શહેર પાસેથી પસાર થતી વરાસી નદી પર ૧૯૯૭ ના વર્ષમાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. જેના થકી કપડવંજ શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. જોકે સમયાંતરે આ ચેકડેમ તૂટી જવાથી પાણી વેડફાઈ જતું હતું. હવે નવો ચેકડેમ મંજુર થતાં લોકોમા઼ આનંદની લાગણી જોવા મળી રહી છે.
વર્ષો પહેલાં નગરપાલિકા વિસ્તારમાં વરાસી પંપીંગ સ્ટેશન પાસે કપડવંજ નગરપાલિકા દ્વારા વરાસી નદી પર ૧૯૯૭ માં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. આ ચેકડેમથી આજુબાજુના ગામડાઓને સિંચાઈ માટે કુવાના તળોમાં પાણીનો સ્ત્રોત રહેતો હતો. પરંતુ પ્રતિવર્ષ ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવે ત્યારે ચેકડેમનો દરવાજાને નુકસાન થયું હતું અને પાણી ડેમમાં ભરાતું ન હતું અને વહી જતું હતું, તેમજ ચેકડેમનું સમારકામ થાય તેમ ન હોય નવો ચેક ડેમ બનાવવાની જરૂરિયાત ઊભી થતા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, એપીએમસી ચેરમેન ધવલ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા યોજના અંતર્ગત નવીન ચેકડેમ બનાવવા માટેની મંજૂરી મળી જતા રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે નવીન ચેકડેમ બનાવવામાં આવશે જેનાથી કપડવંજ વરાસી નદી પરના ચેકડેમ બનવાથી ૧૫ થી વધુના ગામોના ખેડૂતોને તેનો લાભ મળી રહેશે.
