દાહોદ જિલ્લામાં બૂટલેગરો બેફામ બન્યા;ધાનપુરના કંજેટા ગામે બુટલેગરોને પકડવા ગયેલ પોલીસ પર બુટલેગરોનો હુમલો

રિપોર્ટર:વનરાજ ભુરીયા,ધાનપુર

બુટલેગરોને પકડવા ગયેલ પોલીસ પર બૂટલેગરોએ પથ્થરમારો કરતા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત.

.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટાના જંગલના ઉઘલમહુડા ગામેથી ચકચાર મચાવી મુકે તેવો બનાવ સામે આવ્યો છે. જેમાં બાતમીના આધારે વિદેશી દારૂ લઈ જતા બુટલેગરોને પકડવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ પથ્થરમારો કરતાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હોવાનું તેમજ પથ્થર મારામાં પોલીસના વાહનોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે ત્યારે ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ વિભાગને થતાં દાહોદ જિલ્લાનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પથ્થરમારો કરનાર બુટલેગરોને શોધી કાઢવા માટે પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ હોવાનું પણ જાણવા મળે છે.દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો, બુટલેગરો બેફામ બની રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ જિલ્લામાં અવાર નવાર વિદેશી દારૂની સાથે બુટલેગરોને પકડવા જતી પોલીસ પર બુટલેગરો દ્વારા પથ્થરમારો થતો હોવાના બનાવો પણ ભુતકાળમાં બની ચુક્યાં છે . ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં આજરોજ સાંજના સમયે ધાનપુરના કંજેટા જંગલના ઉધલમહુડા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરો પસાર થઈ રહ્યાં હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બુટલેગરોને પકડવા જતાં બુટલેગરોએ પોલીસ પર પથ્થર મારો શરૂ કરી દીધો હતો. બુટલેગરોના પથ્થરમારામાં પોલીસ કોન્સ્ટેબલ વિરસીંગભાઈ ભાભોરને શરીરે ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્ત આ પોલીસ કર્મચારીને તાત્કાલિક ધોરણે દાહોદની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. બુટલેગરોનો પોલીસ પર પથ્થરમારાની ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે રવાના થયો હતો. પોલીસ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરી બુટલેગરોને ઝડપી પાડવા માટેની કવાયતો હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: