ભાવિ શિક્ષિકા બહેનોએ નડિયાદ જિલ્લા ન્યાયાલયની મુલાકાત લીધી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સ્થિત સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર સંસ્થામાં અભ્યાસ કરતી અને ભવિષ્યમાં શિક્ષિકા તરીકે સેવાઓ આપનાર વિદ્યાર્થિનીઓએ આજે જિલ્લા ન્યાયાલય નડિયાદની મુલાકાત લીધી હતી. જેમાં ન્યાય મંદિરની કામગીરીનો તાગ મેળવી સંપૂર્ણ કાયદાકીય માહિતી મેળવી હતી.
સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરનાં આચાર્ય ડૉ. પ્રીતીબેને કુલ-૨૦૦ ભાવિ શિક્ષિકા વિદ્યાર્થિની બહેનોને બે દિવસ સુધી ટીમ બનાવીને જિલ્લા ન્યાયાલય નડિયાદની મુલાકાતે આવેલ હતા. જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી ડી. પડીયા દ્વારા વિદ્યાર્થીનીઓને ન્યાયાલયની કામગીરી વિષે વિસ્તૃત માહિતી અને સમજ આપીને ભવિષ્યમાં શિક્ષિકાઓ તરીકે સારા નાગરિકોનું ઘડતર કરવા પ્રોત્સાહિત કરીને ઉજ્જવળ કારકીર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ફુલ ટાઈમ સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવા-સહાય, મધ્યસ્થીકરણ પ્રક્રીયા તથા લોક અદાલત વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના સુપ્રિન્ટેન્ડેન્ટ એચ એન. ઠાકર તથા નિલેશ ચૌધરી દ્વારા વિધાર્થીનીઓને જિલ્લા ન્યાયાલય નડીઆદ ખાતે આવેલ વિવિધ કોર્ટો અને વિભાગોની રૂબરૂ મુલાકાત કરાવી કામગીરીનું નિરીક્ષણ કરાવ્યું હતું. જેમાં સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર નડિયાદના આચાર્ય ડૉ. પ્રીતીબેન, શિક્ષકગણ તથા ૨૦૦ ભાવિ શિક્ષિકા બહેનો સહિત કુલ- ૨૧૦ બહેનોએ મુલાકાત લીધી અને કાયદાકીય માહિતી મેળવી હતી.