નડિયાદમાં સ્વતંત્ર દિવસ ઉજવણી કાર્યક્રમનું કલેક્ટર ઉપસ્થિતિમાં રીહર્સલ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ
૭૮માં સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાના કાર્યક્રમને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેડા જિલ્લા વહિવટી તંત્ર અનેકવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા જિલ્લામાં ઉત્સવનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ છે. આજે નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પોલીસ બેન્ડ સાથે આગમન, ધ્વજવંદન, પોલીસ જવાનો દ્વારા પરેડ, શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ અને મહિલા પોલીસ જવાનો દ્વારા સાંસ્કૃતિક પર્ફોમન્સ, રાયફલ ડ્ર્રીલ, નેવી પેટ્રોલીંગ, ડોગ શો ના વિવિધ પર્ફોમન્સ, રાષ્ટ્રગાન અને નગરજનોનું પોલીસની જીપમાં બેસીને અભિવાદન સહિતના તમામ આયોજનોનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યુ હતુ કે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આજે પ્રથમ રીહર્સલ કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યુ હતુ કે રિહર્સલમાં પોલીસ વિભાગ દ્વારા ૧૯ પ્લાટુન, ૧૫૦ રાઈફલ, મરીન ટાસ્ફ ફોર્સ અને ૩૭૦ જેટલી મહિલા પોલીસ જવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ, શસ્ત્ર પ્રદર્શન, અને ધ્વજવંદન કાર્યક્રમમાં ઉત્સાહ ભાગ લઈ રાજ્યકક્ષાની ઉજવણીને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તા. ૧૨ ઓગસ્ટના રોજ રેન્જ આઈ.જી.અમદવાદ અને તા. ૧૩ ઓગસ્ટના રોજ ખેડા જિલ્લાના પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે રીહર્સલ યોજાશે. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, નાયબ વનસંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી સહિત જિલ્લાના વહીવટી તંત્રના તમામ મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.