હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

નરેશ ગનવાણી નડિયાદ

એક હજાર મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી તિરંગા યાત્રા, નડિયાદ દેશભક્તિના રંગે રંગાયું

૭૮મા સ્વાતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લા ખાતે થનાર છે. સમગ્ર ખેડા જિલ્લામાં સ્વાતંત્ર પર્વને ઉજવવા દેશભક્તિને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
જેના ભાગરૂપે નડિયાદ એસ.આર.પી ગ્રાઉન્ડથી ‘તિરંગા યાત્રા’ સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગા થઈને શહેરના પારસ સર્કલ પાસે આવેલ ઈપ્કોવાળા હોલ સુધી આ ‘તિરંગા યાત્રા’ નીકળી હતી.
જેમાં પાંચ હજાર થી વધુ નાગરિકો જોડાયા હતા, અને ભારત માતા કી જય ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નડિયાદવાસીઓએ ઠેર ઠેર ફુલ વર્ષા કરી ઉમળકાભેર તિરંગાયાત્રાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર નડિયાદ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. બંદૂક ફાયરિંગના રાઉન્ડ સાથે આ યાત્રાને ખેડા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેઓ હાથમાં ધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા અને જિલ્લાના નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. તિરંગા રેલીમાં પોલીસ જવાન, બ્લેક કમાન્ડો, ગુજરાત પોલીસ કમાન્ડો, પોલીસ બેન્ડ, ટ્રાફિક પોલીસ, એન.સી.સી. કેડેટ્સ, ડોગ્સ સ્કવોડ સહિતની પોલીસની ટીમ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના વિવિધ મંડળો, દિવ્યાંગજનો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો એક હજાર મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે નીકળ્યા હતા.
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે ૧૫ ઓગસ્ટના રોજ ખેડા જિલ્લા ખાતે થનાર રાજ્ય કક્ષાના ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના છે, ત્યારે આજે ખેડા જિલ્લામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં શહેરના યુવાનો, વરિષ્ઠો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ વગેરે જોડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવી છે અને જિલ્લામાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. તિરંગા યાત્રામાં ધારાસભ્યો પંકજ દેસાઈ, સંજયસિંહ મહીડા, રાજેશ ઝાલા, કલ્પેશ પરમાર,રેન્જ આઈજી  જે.આર.મોથલીયા, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, એસઆરપી કેમ્પ જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ  કિન્નરીબેન શાહ, અજય બ્રહ્મભટ્ટ, કેડીસીસી બેંકન ચેરમેન તેજસ પટેલ, પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસના જવાનો,શાળા કોલેજના યુવાનો, મહિલાઓ, દિવ્યાંગજનો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!