કપડવંજના નિવૃત શિક્ષકની થેલીને બ્લેડ મારી એક લાખની કાઢી લીધા
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ આઝાદ ચોકમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકોમાં પૈસા ઉપાડવા ગયેલા ૮૦ વર્ષીય વૃદ્ધ થેલીને બ્લેડ મારી રૂ.એક લાખ કાઢી લીધા હતા. આ બનાવની જાણ વૃધ્ધને થતા બેંકના સીસીટીવી કેમેરા ખંગાળતા બે અજાણી મહિલાની કરતૂત બહાર આવી હતી. આ અંગે કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી છે.
કપડવંજના સુણદામાં રહેતા નટવરલાલ વૈષ્ણવ ઉં.૮૦ શિક્ષક તરીકે નિવૃત્ત થયા હતા. તા.૧૪ ઓગસ્ટ ની બપોરે કપડવંજના આઝાદ ચોકમાં આવેલ બેંક માં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યાં વૃધ્ધે ચેકથી રૂ.બે લાખ ઉપાડી થેલીમાં મૂકી પાસબુકમાં એન્ટ્રી કરવા માટે બેંકના કર્મીને પાસબુક આપી બાંકડા પર બેઠા હતા. વૃદ્ધ પાસે રહેલી થેલી જોતા કપાયેલી હતી. જેથી થેલીમાં તપાસ કરતા ઉપાડેલા પૈસા પૈકી રૂ.એક લાખ થેલીમાં હતા નહીં. આથી વૃધ્ધે તાત્કાલિક નજીકમાં ઉભેલા વ્યક્તિ અને બેંકના કર્મચારીઓ આ બાબતની જાણ કરી હતી.જે બાદ બેંકમાં સીસીટીવી ફૂટેજ જોતા વૃદ્ધ જ્યારે પાસબુકની એન્ટ્રી કરવા ઉભા હતા તે સમયે તેની પાછળ ઉભેલી બે અજાણી મહિલા થેલી બ્લેડથી કાપી તેમાંથી પૈસા લઈ લીધા હોવાનું દેખાયુ હતુ. આ અંગે નટવરલાલ વૈષ્ણવે કપડવંજ ટાઉન પોલીસ મથકે અજાણી બે મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
