તબેલામાંથી પુરક પોષણ યોજનાની ખાદ્ય સામગ્રીનો જથ્થો મળ્યો , ફરિયાદ નોંધાઈ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના વસો પંથકમાંથી બાળ વિકાસ યોજનામાં આંગણવાડી મારફતે લાભાર્થી સગર્ભા, ધાત્રી, કિશોરી બહેનો તેમજ ૬ વર્ષના બાળકોને પુરક પોષણ પુરૂ પાડવા માટે આપવામાં આવતો ખાદ્ય સામગ્રીનો જથ્થો પલાણા ખાતેના તબેલામાંથી મળી આવ્યો જેમાં પૌષ્ટિક આહાર, રાશનની ૧૬ બેગો કુલ ૧૬૦ કીલો જથ્થો મળી આવ્યો છે. આ બનાવ મામલે ઈનચાર્જ સીડીપીઓએ તબેલા માલિક અને અન્ય સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વસો તાલુકાના પલાણા ગામે સરકારી યોજનામાં આવતા પુરક પોષણ પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો છે. વસો તાલુકાના ઈનચાર્જ સીડીપીઓને માહિતી મળી હતી કે વસો પાસે પલાણા ગામે આવેલ વડ ફળિયાના અમીત જયંત પટેલના તબેલામાં સરકારી યોજનાની ખાદ્ય સામગ્રીનો ગેરકાયદે સ્ટોક પડીયો છે. સ્થળ પર પહોંચી તપાસ કરતાં તબેલામાંથી પુરક પોષણ યોજનાની ખાધ્ય સામગ્રીની કુલ ૧૬ બેગ જે પૈકી ૧૧ બેગ બાળશક્તિ, ૩ માતૃશક્તિ, અને ૨ પુર્ણાશક્તિ ભરેલી મળી આવી કુલ ૧૬૦ કીલો જથ્થો હતો. જે અલગ અલગ બેચ નંબરની છે તે જેની કુલ કિંમત રૂપિયા ૧૦ હજાર ૨૦૦ તેમજ આ તબેલામાંથી આ યોજનાની ખાલી બેગો નંગ.૨૮ મળી આવી હતી. આ તબેલાની જગ્યા અમીત જયંતભાઈ પટેલ (રહે.પલાણા)ની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સમગ્ર મામલે ઈનચાર્જ છે. સીડીપીઓ સંગીતાબેન સોલંકીએ વસો પોલીસ મથકે ઉપરોક્ત તબેલાના માલિક અમીત જયંતભાઈ પટેલ તેમજ કરાર કરેલ અમૂલ કંપની ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમના ટેક હોમ રેશનના વિતરક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
