વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન પર કોલસા ભરેલ માલગાડીના ત્રણ ડબ્બા ખડી પડ્યા
નરેશ ગનવાણી નડિયાદ
વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે કોલસો ખાલી કરી પરત ફરતી વખતે ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા ખડી પડતા દોડધામ મચી ગઈ હતી. ડબ્બા અને તેની નીચેની ટ્રોલી બંને અલગ થતાં આશ્ચર્ય સર્જાયું હતું. જોકે, હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સેવાલિયાથી થર્મલ જવા માટે રેલવે દ્વારા બનાવામાં આવેલ ટ્રેક પર રોજ ત્રણ રાજ્યોમાંથી કોલસો ભરી ગુડ્સ ટ્રેન સેવાલિયા આવે છે. તે વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશના પ્લાન્ટમાં ખાલી કરવામાં આવે છે. જે બુધવારે કોલસો ખાલી કરીને પરત ફરી રહેલી ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ થર્મલના અધિકારીઓ અને રેલ્વેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વહેલી તકે પાટા પરથી ડીરેઇલ થયેલા ડબ્બાને દૂર કરીને યાતાયાત સામાન્ય કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ટ્રેક પરથી પસાર થતી ટ્રેનને અકસ્માત થાયા બાદ હાલમાં આ રૂટની ટ્રેનોને ગોધરા, ટીંબારોડ અને સેવાલીયા ખાતે કોલસા ભરેલી ટ્રેનને હાલમાં ત્રણ સ્થળોએ રોકી દેવામાં આવી છે. જોકે, યુધ્ધના ધોરણે ટ્રેક ક્લીયર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થર્મલ ખાતે છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને અદાણી પોર્ટથી કોલસાંનો જથ્થો આવે છે.