કપડવંજ તાલુકાના કિશોરનું પગ લપસી જતાં ૪૦ ફૂટ ઉંડા કુવામાં પડી જવાથી મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ તાલુકાના માલ ઈંટાળી ગ્રામ પંચાયતના પેટાપરા દેવપુરા સીમ વિસ્તારમાં રહેતા પંકજભાઈ રાજેશભાઈ સોઢા પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. જેઓને સંતાનમાં સચિન અને અન્ય એક નાનો દીકરો છે. સચિન શનિવારે તેના કાકા જયપ્રકાશ રાજેશભાઈ સોઢાપરમાર સાથે પોતાના ખેતરમાં આવેલો કુવાની ફરતે ઝાડી- ઝાંખરા અને વનસ્પતિ દૂર કરી રહ્યા હતા, ત્યારે અચાનક સચિનનો પગ લપસતા તે કુવામાં ગરકાવ થયો હતો. ૪૦ ફૂટ ઊંડા કૂવાના પાણીમાં સચિનનું ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ વાતની વાત વાયુવેગે ગ્રામજનોના પ્રસરતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઊંડા પાણીમાં ફસાયેલા સચિનના મૃતદેહને બહાર કાઢવા માટે તરવૈયાની ટીમ બોલાવવામાં આવી હતી. ભારે જહેમત બાદ તરવૈયાની ટીમ દ્વારા સચિનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કપડવંજ રૂરલ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચ્યો હતા. સચિન સોઢા પરમારના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
